
બોટાદ, 10 જુલાઈ (હિ.સ.)ગુજરાત સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે સંકટની ઘડીએ વિશ્વાસ અને સુરક્ષાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. બોટાદમાં બનેલી એક ઘટનામાં પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી એક મહિલા પોતાની માત્ર ૯ માસની બાળકી સાથે ઘર છોડીને નિરાધાર હાલતમાં બેઠી હોવાનું એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આવતાં તેમણે તાત્કાલિક ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતા જ બોટાદ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પાબેન કોશિયાણીયા અને પાયલોટ રિઝવાનભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાનો સંપર્ક કર્યો હતો. ટીમે મહિલાને વિશ્વાસમાં લઈને કાઉન્સેલિંગ કર્યું, જેમાં મહિલાએ જણાવ્યું કે લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા સતત નશાની હાલતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તે પોતાની ૯ માસની પુત્રી સાથે ઘર છોડવા મજબૂર બની હતી.
બોટાદ શહેર તેના માટે અજાણ્યું હોવાથી રહેવા માટે કોઈ સુરક્ષિત સ્થળ કે આર્થિક સહારો પણ ન હતો. આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૮૧ અભયમ ટીમે મહિલાને તેના કાયદાકીય અધિકારો અને સરકારી સહાય અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ માતા અને બાળકીની સલામતીને પ્રાથમિકતા આપીને બંનેને બોટાદ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર (OSC) ખાતે સુરક્ષિત આશ્રય માટે ખસેડવામાં આવ્યા, જ્યાં રહેવા, ભોજન, કાઉન્સેલિંગ અને જરૂરી સહાયની વ્યવસ્થા કરવામાં આવી.
આ સમગ્ર ઘટનામાં જાગૃત નાગરિકની સતર્કતા અને ૧૮૧ અભયમ ટીમના ત્વરિત પ્રતિસાદથી એક માતા અને તેની માસૂમ બાળકીને સુરક્ષિત જીવન તરફ નવી આશા મળી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માત્ર ઇમરજન્સી સેવા નહીં, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે વિશ્વાસ, સુરક્ષા અને નવજીવનનો મજબૂત આધાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA