
ભરૂચ, 10 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે અત્યંત ગંભીર સમસ્યા બની રહ્યો છે, જેના કારણે સ્થાનિક જનતામાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી જ એક ભયજનક ઘટના અંકલેશ્વરની વ્યસ્ત ગણાતી પ્રતિન ચોકડી નજીક મુખ્ય માર્ગ પર સામે આવી છે, જ્યાં અચાનક જ બે આખલાઓ એકબીજા સાથે આક્રમક રીતે બાખડી પડ્યા હતા.
આ ભરચક વિસ્તારના મુખ્ય રસ્તા પર જ પશુઓ ધ્વંધ યુદ્ધે ચડતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આખલાઓની લડાઈ અને તેમની બેફામ દોડધામને પગલે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માત જેવી સ્થિતિમાં ત્યાં પાર્ક કરેલી અથવા પસાર થઈ રહેલી એક ઇકો કારને પણ મોટું નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ મળ્યા છે.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ પ્રકારના અવારનવાર બનતા બનાવોને કારણે સ્થાનિકો અને વાહનચાલકો સતત ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને, સ્થાનિક નાગરિકોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા પશુઓને તાત્કાલિક પકડીને સુરક્ષિત પાંજરાપોળ કે અન્ય સ્થળે ખસેડવામાં આવે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત કરવા માટે યુદ્ધના ધોરણે કડક પગલાં ભરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ