
નવસારી, 10 જુલાઈ (હિ.સ.) : નવસારી શહેરમાં એસટી બસ સાથે જોડાયેલી બેદરકારીની ઘટના સામે આવી છે. નવસારી એસટી ડેપો નજીક રૂટ પર જવા નીકળેલી એક બસે રોડ કિનારે પાર્ક કરેલી મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઘટનાનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
માહિતી અનુસાર, બસ ડેપોમાંથી બહાર નીકળતી વખતે વળાંક લેતા બસ ચાલકનું વાહન પાર્ક કરેલી બાઇક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક બસની નીચે ફસાઈ ગઈ હતી અને તેના અનેક ભાગોને નુકસાન થયું હતું. ઘટનાના સમયે આસપાસ હાજર લોકોએ અકસ્માત જોયો હોવાનું પણ જાણવા મળે છે. અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પર રોકાયા વગર બસ લઈને આગળ નીકળી ગયો હતો. હવે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક માલિક અને સ્થાનિકોએ એસટી તંત્ર તેમજ પોલીસ સમક્ષ જવાબદાર બસ ચાલક સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે