અમદાવાદના રથયાત્રા રૂટ પર પોલીસ કમિશનર સાથે ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ,એએમસીના પદાધિકારીઓ-મંદિર ટ્રસ્ટીઓનું પણ નિરીક્ષણ
અમદાવાદ, 10 જુલાઇ (હિ.સ.) : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ નીકળવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તો યોગ્ય રીતે દર્શન કરી શકે તેને લઈને અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું
Crime Branch patrols along with Police Commissioner on Ahmedabad's Rath Yatra route, AMC office bearers and temple trustees also inspected


અમદાવાદ, 10 જુલાઇ (હિ.સ.) : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ નીકળવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તો યોગ્ય રીતે દર્શન કરી શકે તેને લઈને અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટ પર સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે ભાજપના નેતાઓએ રૂટ ઉપર રોડ, ભયજનક મકાનો અને નાની મોટી વ્યવસ્થા અંગે રાઉન્ડ લઈને તૈયારીઓ અંગે સૂચના આપી હતી.

રથયાત્રા રૂટ પર સુરક્ષાને લઈને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેને કોમી એકતા યાત્રા નામ આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, ડીસીપી અજીત રાજિયન તેમજ એસ.ઓ.જી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કોઇપણ અફવા અને ભ્રામક માહિતી પર વિશ્વાસ ન રાખવા પોલીસે અપીલ કરી છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ તૈયાર છે. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેરમાં લોકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયાસ છે. ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.

સરસપુર મંદિર સુધી આશરે 8 કિલોમીટરનું એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગ કરાયું છે. રથયાત્રા રૂટ પર લોકો સાથે સીધી વાતચીત કરીને વિશ્વાસ સ્થાપિત કરવામાં આવ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ કટિબદ્ધ છે. નાગરિકોને પોલીસની સૂચનાઓનું પાલન કરવા અને પોલીસ અને લોકોના સહયોગથી રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

રથયાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથયાત્રાના રૂટ પર આવતા જર્જરિત મકાનો, રસ્તાના સમારકામ અને વૃક્ષોના ટ્રિમિંગ સહિતની તમામ કામગીરી સમય પહેલાં જ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી રથયાત્રા દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન નડે.

મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, 16મી તારીખે નીકળનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાના રૂટનું આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, ડેપ્યુટી મેયર, ચેરમેન અને ધારાસભ્ય કૌશિકભાઈની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગોતરું આયોજન કરાયું છે, જેમાં રૂટ પરના તમામ જર્જરિત મકાનોને નોટિસ આપીને જે ઉતારવા જેવા ભાગ હતા તે ઉતારી લેવાયા છે અને સુરક્ષા માટે ત્યાં ગ્રીન કવર કે પતરા લગાડી દેવાયા છે.

આ ઉપરાંત રથને કે શ્રદ્ધાળુઓને અડચણ ન થાય તે માટે મોટા વૃક્ષોનું નિરીક્ષણ કરી તેનું ટ્રિમિંગ કરવામાં આવશે. રથયાત્રાના દિવસે આવા જર્જરિત મકાનો પર લોકો એકઠા ન થાય તે માટે પોલીસ બંદોબસ્તની સાથે કોર્પોરેશનની ટીમ પણ ત્યાં ખાસ હાજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande