
વલસાડ, 10 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામ નજીક નેશનલ હાઇવેની બાજુમાં અજાણ્યા શખ્સોએ કેમિકલ પાવડરથી ભરેલા અનેક થેલાં ફેંકી દેતા વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પર્યાવરણ તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થયાની આશંકા વ્યક્ત કરી હતી.
સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સો કેમિકલના થેલાં નાખીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ગ્રામજનોએ માંગ કરી છે કે ફેંકવામાં આવેલા કેમિકલનો વૈજ્ઞાનિક રીતે યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ જવાબદાર વ્યક્તિઓ અથવા તત્વોને શોધી તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. હાલ સ્થાનિકો GPCB અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી રાહ જોઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha