
સુરત, 10 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી
ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લિંબાયત, ડિંડોલી અને સારોલી વિસ્તારોમાં
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત
નાગરિકો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી હતી.
મુલાકાત દરમિયાન તેમણે
પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થાનિક દુકાનદારો, સોસાયટીના રહીશો અને અસરગ્રસ્ત
પરિવારો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ, નુકસાન અને જરૂરીયાતોની જાણકારી
મેળવી હતી. નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને જરૂરી સહાય સમયસર પહોંચે તે માટે વહીવટી
તંત્રના અધિકારીઓને આદેશ આપ્યો હતો.
સંઘવીએ
અધિકારીઓને વરસાદી પાણીના ઝડપથી નિકાલ, સફાઈ કામગીરી, વીજ પુરવઠાની સુચારુ વ્યવસ્થા તેમજ
આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત
પરિવારોને જરૂરી કેશડોલ્સ સહાય વહેલી તકે આપવાની તાકીદ કરી હતી.
મુલાકાત દરમિયાન
સ્થાનિક રહીશોએ તેમની સમસ્યાઓ રજુ કરી હતી, જેને નાયબ મુખ્યમંત્રીએ ગંભીરતાથી
સાંભળી તાત્કાલિક ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સુચનાઓ આપી હતી.
આ મુલાકાતમાં
ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મેયર માયાબેન માવાણી, સુરત જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, મ્યુ.કમિશનર
એમ.નાગરાજન, પો.કમિશનર વાબાંગ જમીર, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મનપાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે