
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણમાં જલારામ ગૌ સત્સંગ મંડળ પ્રેરિત જલારામ બાપાના 125મા ભજન-સત્સંગનું આયોજન પી.આઈ. ઠક્કર પરિવારના યજમાનપદે શૈલજા સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. અસ્મિતા લીમ્બાચીયા, અવધેશ મહેતા, પિયુષ મહારાજ, નયના પ્રજાપતિ સહિતના ભજનિકોએ ભજન-સત્સંગથી ભક્તોને ભાવવિભોર કર્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મંડળ દ્વારા ગૌસેવાના કાર્યોની માહિતી આપવામાં આવી હતી. મંડળ નિઃશુલ્ક ભજન-સત્સંગનું આયોજન કરી ગૌસેવાનો સંદેશ ફેલાવે છે અને ગૌભક્તોના સહયોગથી અત્યાર સુધીમાં રૂ. 45 લાખથી વધુની રકમ વિવિધ ગૌશાળાઓ માટે એકત્ર કરી ઉપયોગમાં લેવામાં આવી હોવાનું જણાવાયું હતું.
કાર્યક્રમ દરમિયાન અનેક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજસેવી દિનેશ ઠક્કરે વ્યસનમુક્તિનો સંદેશ આપી તમામ પ્રકારના વ્યસનો છોડવાની અપીલ કરી હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી જલારામ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ