
બોટાદ, 10 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી બી.એ. પરમારે આજે ઉમરાળા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયતના વહીવટી તેમજ વિકાસલક્ષી કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન પંચાયતના વિવિધ રેકોર્ડ, દફતર અને વહીવટી કામગીરીની તપાસણી કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ પંચાયતની ઘરવેરા વસૂલાતની કામગીરીને વધુ અસરકારક અને સમયબદ્ધ બનાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત ગામમાં ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ અને એસેટ્સની મુલાકાત લઈ તેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છતા જળવાઈ રહે તેમજ સર્જાયેલી સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય તે માટે સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન પંચાયત લાયબ્રેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ સંવાદ કરી શિક્ષણનું મહત્વ, વાંચનની ટેવ અને કારકિર્દી ઘડતર અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સતત તૈયારી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને મળતી સુવિધાઓ, પોષણ, શિક્ષણ વ્યવસ્થા તથા સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓ, દર્દીઓને મળતી સુવિધાઓ અને જરૂરી દવાઓની ઉપલબ્ધિ અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ વિકાસના વિવિધ પાસાઓની સમીક્ષા કરી ગામમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA