ગણતરીના કલાકોમાં ₹11 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો, વિજાપુર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.) વિજાપુર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં ₹11 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીદારોને નવી ચલણી નોટોના બદલામાં બે ગણી કિંમતની ફાટેલી અને ક
ગણતરીના કલાકોમાં ₹11 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો, વિજાપુર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા


મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.) વિજાપુર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં ₹11 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીદારોને નવી ચલણી નોટોના બદલામાં બે ગણી કિંમતની ફાટેલી અને ક્રોસ કટિંગવાળી ચલણી નોટો આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ નવા સંઘપુર ગામે બોલાવી તેમની પાસેથી ₹11 લાખ મેળવી છેતરપિંડી આચરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણના નેતૃત્વમાં ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ઝડપી તપાસ હાથ ધરી હતી. તેના આધારે ગાંધીનગર, મહેસાણા અને કચ્છ જિલ્લાના ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી ₹4 લાખની રોકડ, અંદાજે ₹3.23 લાખ કિંમતનો સોનાનો દોરો, બે કાર અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે ₹11.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વિજાપુર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવી લોભામણી ઓફર અથવા પ્રલોભનોમાં ન આવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande