
ભાવનગર,10 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન હદમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ નિષ્કલંક મહાદેવ, કોળિયાક ખાતે ફરજ પર તૈનાત ઘોઘા પોલીસ સ્ટાફ અને સાગર રક્ષક દળના જવાનોએ સમયસૂચકતા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં દરિયામાં ડૂબી રહેલા એક પરપ્રાંતિય યુવાનનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ કર્ણાટક રાજ્યના રહેવાસી પવન કુમાર પ્રકાશ કુમાર દર્શનાર્થે નિષ્કલંક મહાદેવ મંદિરે આવ્યા હતા. દર્શન બાદ તેઓ દરિયામાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન તેઓ અજાણતા દરિયાના વધુ ઊંડા પાણીમાં પહોંચી જતાં ડૂબવા લાગ્યા હતા. યુવાનને ડૂબતો જોઈ આસપાસ હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તરત જ ઘટનાની જાણ ફરજ પર હાજર ઘોઘા પોલીસ સ્ટાફ તથા સાગર રક્ષક દળના જવાનોને કરવામાં આવી હતી.
માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારીઓ અને સાગર રક્ષક દળના જવાનોએ કોઈપણ વિલંબ કર્યા વગર દરિયામાં ઝંપલાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ તેમણે ડૂબી રહેલા યુવાન સુધી પહોંચી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સમયસર કરવામાં આવેલી આ કામગીરીના કારણે યુવાનનો જીવ બચી ગયો હતો.
બચાવ બાદ યુવાનને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં ઘોઘા પોલીસ અને સાગર રક્ષક દળના જવાનોએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, સતર્કતા અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓએ પણ પોલીસ અને સાગર રક્ષક દળની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સાથે જ દરિયાકાંઠે આવતા પ્રવાસીઓ અને યાત્રાળુઓને દરિયામાં સ્નાન કરતી વખતે સાવચેતી રાખવા તેમજ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA