
ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) સાગરખેડૂઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડિઝલ માટે ૨૦ મીટરથી વધુ લંબાઈની બોટને પણ આ રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
માછીમારોના વ્યાપક હિતમાં લેવાયેલા આ નિર્ણયને વેરાવળના ખારવા સમાજના અગ્રણી ગોપાલભાઈ ફોફંડીએ આવકારી જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હંમેશા માછીમારોની ચિંતા કરતી આવી છે. સરકાર દ્વારા સાગરખેડૂઓના બહોળા હિતમાં ૨૦ મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાના નિર્ણયના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટોને આ યોજનાનો લાભ મળશે. જે નિર્ણય ખૂબ જ આવકારદાયક છે.
પહેલાના નિયમો અનુસાર આ સબસિડી માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી નાની યાંત્રિક બોટોને જ મળવાપાત્ર હતી. જોકે, સરકાર દ્વારા નિર્ણયમાં સુધારો કરતા હવે ૨૦ મીટરથી વધુ લંબાઈની બોટોના માછીમારોને પણ ખૂબ ફાયદો થશે. માછીમારોના બહોળા હિતને જોતાં આ નિર્ણય બદલ સમસ્ત ખારવા સમાજ બદલ સરકારને અભિનંદન પાઠવું છું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારના આ નિર્ણયનો લાભ મેળવવા માટે સમગ્ર માછીમારોએ પોતાના બોટની “રિયલ ક્રાફ્ટ પોર્ટલ” પર નોંધણી કરાવવી આવશ્યક છે અને ફિશિંગ લાયસન્સ મેળવી લેવું પણ હિતાવહ છે.
આ લાભ જ્યારે સરકાર તરફથી આપવામાં આવી રહ્યો છે. ત્યારે, સમગ્ર માછીમાર સમાજે પણ આ અંગેના જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરુરી છે. જેથી સરળતાથી આ નિર્ણયનો લાભ મેળવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ