
ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથમાં મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણનું એક સફળ મોડેલ આજે સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની 15મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ, જેમાં હજારો મહિલાઓની હાજરી વચ્ચે સંસ્થાની વિકાસયાત્રા અને સિદ્ધિઓ રજૂ કરવામાં આવી. શિક્ષણથી લઈને સ્વરોજગાર સુધી અને આરોગ્યથી લઈને કૃષિ ધિરાણ સુધી મહિલાઓને આત્મનિર્ભર બનાવતી આ સંસ્થાએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર કામગીરી કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની 15મી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાની અત્યાર સુધીની કામગીરી, મહિલાઓના સશક્તિકરણ માટે હાથ ધરાયેલા પ્રયાસો અને ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. મંડળીના હોદ્દેદારોએ જણાવ્યું કે મહિલા બચત મંડળોની શરૂઆત વર્ષ 1997માં સાંઢણીધાર ગામથી અંબુજા ફાઉન્ડેશનના સહયોગથી થઈ હતી, જ્યારે વર્ષ 2012માં સહકારી મંડળીની સત્તાવાર સ્થાપના કરવામાં આવી હતી.
હાલમાં મંડળી ગીર સોમનાથ જિલ્લાના 140 ગામોમાં કાર્યરત છે. સંસ્થા સાથે 1,336 મહિલા બચત મંડળો અને આશરે 17 હજાર મહિલાઓ જોડાયેલી છે. મંડળીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 8થી 10 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હોવાનું પણ જણાવાયું. સભાસદોને 10 ટકા ડિવિડન્ડ અને બચત પર 8 ટકા વ્યાજ આપવામાં આવે છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સ્વરોજગાર માટે મહિલાઓને સરળ ધિરાણ આપવામાં આવે છે. પશુપાલન, સિલાઈ, બ્યુટી પાર્લર, પાપડ સહિતની આવકવર્ધક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
વાર્ષિક સાધારણ સભા દરમિયાન મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી ઈ-રિક્ષા સેવાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સાંસદ દીનુભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સહાય, વિધવા મહિલાઓને સ્વરોજગાર માટે સહકાર, પશુપાલન માટે ગાય-ભેંસનું વિતરણ તેમજ લગભગ એક હજાર દીકરીઓને સિલાઈ તાલીમ અને સિલાઈ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવાયું.
મહિલાઓને માત્ર બચત સુધી મર્યાદિત ન રાખી, તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને સમાજમાં સશક્ત સ્થાન અપાવવા સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી સતત પ્રયાસ કરી રહી છે. હજારો મહિલાઓને રોજગાર, શિક્ષણ અને સ્વરોજગાર સાથે જોડતી આ સંસ્થા ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સશક્તિકરણનું એક સફળ ઉદાહરણ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ