સેગવી ગામમાં પાણીની લાઇનનું ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન તૂટી, ગેસ લીકેજથી અફરાતફરી
વલસાડ, 10 જુલાઈ (હિ.સ.) : વલસાડ તાલુકાના સેગવી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન જેસીબીથી ખોદકામ કરતા ભૂગર્ભ ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ગેસ લીકેજની ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, ગેસ પાઇપલાઇન તૂટી જતાં આશરે એક
ગેસ પાઇપલાઇન તૂટી


વલસાડ, 10 જુલાઈ (હિ.સ.) : વલસાડ તાલુકાના સેગવી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન જેસીબીથી ખોદકામ કરતા ભૂગર્ભ ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ગેસ લીકેજની ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, ગેસ પાઇપલાઇન તૂટી જતાં આશરે એક કલાક સુધી સતત ગેસનું ગળતર ચાલુ રહ્યું હતું. લીકેજના કારણે ગેસની તીવ્ર ગંધ અને ધુમાડો આસપાસના વિસ્તારમાં દૂર સુધી ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સલામતીના ભાગરૂપે લોકો ઘટનાસ્થળથી દૂર રહ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ લગભગ એક કલાક સુધી ગેસ એજન્સી અથવા સંબંધિત વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા ન હતા, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પછી સંબંધિત ટીમ સ્થળ પર પહોંચી ગેસ સપ્લાય બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, આવી કામગીરી દરમિયાન જરૂરી સાવચેતી અને પૂર્વ આયોજન રાખવાની માંગ સ્થાનિકોએ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande