
પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.)આસામ રાજ્યના બક્સા જિલ્લાના બરામા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને ગેરકાયદેસર અટકાયતના ગુનાના આરોપીને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચએ ઝડપી પાડ્યો છે. આરોપી સાથે ગુનાની ભોગ બનેલી સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે.પોલીસને ખાનગી બાતમી મળી હતી કે આસામના ગુનામાં વોન્ટેડ આરોપી સૌરવ ઉર્ફે રીયાન નબજીત ગોગોઈ (ઉં.વ. 26), રહે. તામુલપુર, આસામ અને સગીરા પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવે પર નરવાઈ મંદિર સામે આવેલી એક ફિશ મિલમાં રોકાયેલા છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બંને મળી આવ્યા હતા. ત્યારબાદ નવીબંદર મરીન પોલીસને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ આસામ રાજ્યના બક્સા જિલ્લાના બરામા પોલીસ મથકને કરવામાં આવી છે, જેથી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya