અંજારમાં દારૂના ગેરકાયદે ધંધા પર પોલીસનો પ્રહાર: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : અંજાર શહેરમાં પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરતા તત્વો સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ગાંધી ફળિયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક શખ્સ સામે ગુનો નોંધ
અંજાર દારૂ કેસમાં પકડાયેલ યુવક


કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : અંજાર શહેરમાં પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરતા તત્વો સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ગાંધી ફળિયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂના વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના કડક અમલ માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજા અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી હતી.

પોલીસને મળેલી ગુપ્ત માહિતી મુજબ અંજારના ગાંધી ફળિયા વિસ્તારમાં આવેલા ત્રિકમરાય એપાર્ટમેન્ટમાં રહેતો યશ સોની પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેનું ગેરકાયદે વેચાણ કરતો હતો. માહિતીની ખાતરી કર્યા બાદ પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે સમગ્ર જથ્થો કબ્જે લીધો હતો.

દરોડા દરમિયાન પોલીસે મેજિક મોમેન્ટ્સ જામુન, આઇકોનિક વ્હાઇટ ગ્રેઇન વિસ્કી અને સ્ટર્લિંગ રિઝર્વ ક્લાસિક બ્લેન્ડેડ વિસ્કીની કુલ ૭૫ બોટલો કબ્જે કરી હતી. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. ૨૩,૦૩૦ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઇન શું હતી અને આ ગેરકાયદે વેપારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે.

અંજાર પોલીસની આ કામગીરીથી શહેરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ ગયો છે. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરનારાઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ સઘન કાર્યવાહી સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande