છત્તીસગઢથી ગુમ થયેલી 12 વર્ષની કિશોરી ગાંધીધામમાં મળી, એ-ડિવિઝન પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન
કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના ગાંધીધામમાં માનવતા અને પોલીસની સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. છત્તીસગઢ રાજ્યમાંથી અપહરણનો ભોગ બનેલી અને લાંબા સમયથી પરિવારથી વિખૂટી પડેલી 12 વર્ષની કિશોરીને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે સુરક્ષિત રીતે શોધી ક
ગાંધીધામ થી મળી આવેલી કિશોરી


કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના ગાંધીધામમાં માનવતા અને પોલીસની સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. છત્તીસગઢ રાજ્યમાંથી અપહરણનો ભોગ બનેલી અને લાંબા સમયથી પરિવારથી વિખૂટી પડેલી 12 વર્ષની કિશોરીને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢી તેના વાલી-વારસાને સોંપવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાનું પાલન કરાવતી સંસ્થા જ નહીં, પરંતુ સંવેદનશીલ જવાબદારી નિભાવતી સેવા પણ છે.

ગુમ થયેલા બાળકો અને અપહરણના ભોગ બનેલા લોકોને શોધી કાઢવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ અભિયાન દરમિયાન પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર મળેલી માહિતીના આધારે એક સગીર કિશોરી ગાંધીધામ પોલીસના સંપર્કમાં આવી હતી.

કિશોરીને સુરક્ષિત રીતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેની ઓળખ અને પરિવાર અંગેની માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કિશોરીએ આપેલી વિગતોના આધારે પોલીસે તાત્કાલિક છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લાના સિરગીટ્ટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 12 વર્ષની કિશોરી હર્ષા વિજય શર્મા , બિલાસપુર જિલ્લાના દેવરીખુર્દ વિસ્તારમાં રહે છે અને તેના અપહરણ અંગે સિરગીટ્ટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 137(2) હેઠળ ગુનો નોંધાયેલો હતો. આ માહિતી મળતા જ ગાંધીધામ પોલીસે સ્થાનિક પોલીસ સાથે સતત સંકલન રાખી કિશોરીના પરિવારજનોનો સંપર્ક કર્યો.

ત્યારબાદ છત્તીસગઢ પોલીસ તથા કિશોરીના વાલી-વારસાઓ ગાંધીધામ પહોંચ્યા હતા. તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કિશોરીને તેના પરિવારને સુરક્ષિત રીતે સોંપી દીધી હતી. લાંબા સમય બાદ દીકરીને ફરી મળતા પરિવારજનો ભાવુક બની ગયા હતા અને તેમણે ગાંધીધામ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ સમગ્ર કામગીરી દર્શાવે છે કે અલગ-અલગ રાજ્યોની પોલીસ વચ્ચેનું અસરકારક સંકલન અને સમયસરની કાર્યવાહી અનેક પરિવારો માટે આશાનું કિરણ બની શકે છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની આ કામગીરી માત્ર એક સફળ તપાસ નહીં, પરંતુ એક વિખૂટા પડેલા પરિવારને ફરી એક કરનાર સંવેદનશીલ અને માનવતાભર્યો પ્રયાસ પણ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande