ગાંધીધામમાં ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો: ટ્રકના કમાન પાટા સહિત 100 ટકા મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા
કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં નોંધાયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ગાંધીધામ ''એ'' ડિવિઝન પોલીસે ખૂબ જ ઓછા સમયમાં ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ચોરીમાં ગયેલા ટ્રકના કમાન પાટા સહિત સમગ્ર મુદ્દામાલ આજે જપ્ત કરી બે આરો
ગાંધીધામ ચોરી કેસમાં પકડાયેલ આરોપીઓ


કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં નોંધાયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસે ખૂબ જ ઓછા સમયમાં ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ચોરીમાં ગયેલા ટ્રકના કમાન પાટા સહિત સમગ્ર મુદ્દામાલ આજે જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ વિશ્લેષણ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી એકત્ર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ વેચવાના પ્રયાસ સાથે કેટલાક શખ્સો એ.વી. જોષી પુલિયા વિસ્તારમાં હાજર છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડતાં બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં કાસમ જાકુ બુચડ અને ઇસ્માઇલ ઇલીયાસ બુચડ, બંને રહેવાસી ખારી રોહર પીર કોલોની, ગાંધીધામનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલા ટ્રકના કમાન પાટાના ચાર બાંધા, અંદાજે રૂ. 32 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચોરીનો 100 ટકા મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવી છે.

પ્રાથમિક તપાસમાં વધુ બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. હનીફ કાસમ સરેચા તથા હસન હુસેન કકલ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કેસ ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 11993003260856/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(1), 331(4) અને 54 મુજબ નોંધાયો છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપવા માટેના પ્રયાસો વધુ તેજ કરવામાં આવ્યા છે.

ગાંધીધામ પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી માત્ર આરોપીઓને જ ઝડપી પાડ્યા નથી, પરંતુ ચોરીમાં ગયેલો સમગ્ર મુદ્દામાલ પણ રિકવર કરીને મિલ્કત સંબંધિત ગુનાઓ સામે અસરકારક કામગીરીનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande