કચ્છના નલિયામાં ઘોરાડ સંવર્ધનમાં ઐતિહાસિક સફળતા: 40 દિવસ પૂર્ણ કરનાર GIBના બચ્ચાએ જગાવી નવી આશા
કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : ગુજરાત માટે ગૌરવની ક્ષણ સમાન એક મહત્વપૂર્ણ સફળતા કચ્છના નલિયા વિસ્તારેથી સામે આવી છે. વિશ્વની અત્યંત લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિઓમાં સ્થાન ધરાવતા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ)ના સંવર્ધન માટે હાથ ધરાયેલા ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્
નલિયા ઘોરાડ અભ્યારણ્ય માં બચ્ચા સાથે માતા પક્ષી


નલિયા ઘોરાડ અભ્યારણ્ય માં બચ્ચા સાથે માતા પક્ષી


નલિયા ઘોરાડ અભ્યારણ્ય માં બચ્ચા સાથે માતા પક્ષી


કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : ગુજરાત માટે ગૌરવની ક્ષણ સમાન એક મહત્વપૂર્ણ સફળતા કચ્છના નલિયા વિસ્તારેથી સામે આવી છે. વિશ્વની અત્યંત લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિઓમાં સ્થાન ધરાવતા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ)ના સંવર્ધન માટે હાથ ધરાયેલા ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટને મોટી સફળતા મળી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 21 મે, 2026ના રોજ જન્મેલું ઘોરાડનું બચ્ચું જીવનના સૌથી સંવેદનશીલ અને પડકારજનક ગણાતા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સફળ રહ્યું છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આ સિદ્ધિને ગુજરાત માટે ઐતિહાસિક અને આશાજનક માનવામાં આવી રહી છે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે, ઘોરાડ જેવી દુર્લભ પ્રજાતિના અસ્તિત્વને બચાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નલિયામાં હાથ ધરાયેલો ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના વન્યજીવ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે. તેમણે જણાવ્યું કે, જન્મ પછીના પ્રથમ 40 દિવસ કોઈપણ ઘોરાડના બચ્ચા માટે અત્યંત નાજુક હોય છે અને આ સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ થવો તેના સ્વસ્થ વિકાસ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વન્યજીવ સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ઘોરાડના સંવર્ધન માટે વન વિભાગ, વન્યજીવ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની ટીમે સતત દેખરેખ, આધુનિક તકનીક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે કામગીરી હાથ ધરી છે, જેના પરિણામે આજે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.

ઘોરાડ વિશ્વની સૌથી વધુ જોખમમાં રહેલી પક્ષી પ્રજાતિઓમાંની એક છે અને તેની સંખ્યા સતત ઘટતી જતાં તેના સંરક્ષણ માટે વિશેષ પ્રયાસોની જરૂરિયાત ઉભી થઈ હતી. નલિયામાં ચાલી રહેલા પ્રોજેક્ટ હેઠળ કુદરતી રહેઠાણમાંથી ઈંડાની સુરક્ષા, વૈજ્ઞાનિક રીતે તેનું સંવર્ધન અને ‘ફોસ્ટર મધરિંગ’ જેવી અત્યંત જટિલ પ્રક્રિયાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. જન્મેલા બચ્ચાની 24 કલાક નિષ્ણાતોની દેખરેખ હેઠળ સંભાળ રાખવામાં આવી રહી છે જેથી તેનું સ્વસ્થ રીતે લાલન-પાલન થઈ શકે.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, આવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ માત્ર એક પક્ષીને બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ સમગ્ર જૈવવિવિધતા અને કુદરતી પર્યાવરણના સંતુલનને જાળવી રાખવાની દિશામાં એક મહત્વપૂર્ણ જવાબદારી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ સફળતા ભવિષ્યમાં ઘોરાડની સંખ્યા વધારવા માટે નવા દ્વાર ખોલશે અને ગુજરાત દેશભરમાં વન્યજીવ સંવર્ધનના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયી મોડેલ તરીકે ઉભરી આવશે.

આ સિદ્ધિને દેશભરમાં પણ આવકાર મળ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘોરાડના બચ્ચાના ફોટા અને વીડિયો શેર કરીને આ સફળતાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

કચ્છના નલિયામાં પ્રાપ્ત થયેલી આ સફળતા માત્ર એક બચ્ચાના જીવિત રહેવાની ઘટના નથી, પરંતુ લુપ્ત થવાના આરે પહોંચેલી પ્રજાતિને બચાવવા માટેના વૈજ્ઞાનિક પ્રયાસો, સંકલિત આયોજન અને અવિરત સમર્પણનું જીવંત ઉદાહરણ છે. વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં ગુજરાતે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે, જે આવનારા સમયમાં ઘોરાડના સંવર્ધન માટે નવી આશા અને વિશ્વાસનો સંદેશ આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande