
કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુમરાસર ગામમાં ચાલતા જુગારધામનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ચોક્કસ ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક પુરુષ અને ચાર મહિલાઓને જુગાર રમતા અને રમાડતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાના પત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ કચ્છ LCBને મળેલી વિશ્વસનીય માહિતીના આધારે PSI એમ. એચ. શીણોલના નેતૃત્વમાં પોલીસ ટીમે સુમરાસર ગામમાં દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન ધુનીબેન કાનજીભાઈ ગાગલના રહેણાંક મકાનના આંગણામાં બહારથી લોકોને બોલાવી રૂપિયા હાર-જીતનો જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરતાં જુગાર ચાલી રહ્યો હોવાની પુષ્ટિ થઈ હતી અને ત્યાં હાજર તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે ₹43,800ની રોકડ રકમ, અંદાજે ₹26,000 કિંમતના છ મોબાઇલ ફોન તેમજ ગંજીપાના 52 પત્તા કબજે કર્યા હતા. સમગ્ર મુદ્દામાલને કબજામાં લઈને માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં અકરમ ઇકબાલ પઠાણ (રહે. જુની બકાલી કોલોની, ભુજ), ધુનીબેન કાનજી ગાગલ (રહે. સુમરાસર), જશીબેન ભરતભાઈ ચાડ (રહે. સુમરાસર), સુંદરબા પથુભા વંકાજી સોઢા (હાલ રહે. મીરઝાપર, મૂળ રહે. ઝુરા) અને હેતલબેન ખરાશંકર રાજગોર (રહે. માનકુવા)ની ધરપકડ કરવામાં આવી છે.
માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 448/2026 હેઠળ ગુજરાત જુગાર અધિનિયમની કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ આરોપીઓ સામે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી જ રીતે કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar