
પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુના ક્રમાંક 11218015260329/2026 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનામાં 550 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 1.10 લાખ)નો જથ્થો અન્ય આરોપીઓ સાથે મળી હેરફેર કરનાર કાનાભાઈ કરમણભાઈ મોરી, રહે. કાઠીયાનેશ, તા. રાણાવાવ, જી. પોરબંદર સામે PASAની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગર દ્વારા તૈયાર કરાયેલી PASA દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. પુરાવા અને કેસની ગંભીરતા ધ્યાને લઈ પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપીને PASA હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રાખવાનો વોરંટ જાહેર કર્યો હતો. ત્યારબાદ પોરબંદર LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાએ PASA વોરંટની બજવણી કરીને આરોપીની અટકાયત કરી સુરત જેલ ખાતે મોકલી આપ્યો હતો. સમગ્ર કામગીરીમાં ASI રૂપલબેન લખધીર, HC વિપુલભાઈ ઝાલા, હિમાંશુભાઈ મક્કા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, રાણાવાવ પોલીસ સ્ટેશનના HC ભીમાભાઈ દાસા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ઓડેદરા, સંજયભાઈ ગોહિલ તેમજ કુતિયાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ બાંટવા સહિતના અધિકારી- કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya