


વડોદરા , 10 જુલાઈ (હિ.સ.) રાણીયા દૂધ મંડળી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરાતા ડેસર-સાવલી વિસ્તારના પશુપાલકોની મુશ્કેલીઓ વધતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શનમાં આવ્યા છે. તેમણે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે નવા શિહોરા, જૂના શિહોરા, પીપળીયા, રાયપુરા સહિતના ગામોના 400થી વધુ પશુપાલકો રાણીયા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા. હાલમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં પશુપાલકોની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે.
તેમણે સરકારને રજૂઆત કરી છે કે જો બરોડા ડેરી દ્વારા અમૂલ સમકક્ષ દૂધના ભાવ, બોનસ અને પશુદાણ સહિતના લાભો આપવામાં આવે તો પશુપાલકો બરોડા ડેરીમાં દૂધ ભરવા તૈયાર છે. જો સમકક્ષ લાભો આપવાનું શક્ય ન હોય તો પશુપાલકોને અમૂલમાં દૂધ ભરવાની મંજૂરી આપવામાં આવે.
ધારાસભ્ય કેતન ઇનામદારે અસરગ્રસ્ત પશુપાલકો માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગ કરી છે, જેથી દૂધનું વેચાણ અટકે નહીં અને ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય.
સાથે જ તેમણે બરોડા ડેરી, અમૂલ અને પશુપાલકોના પ્રતિનિધિઓ વચ્ચે સંયુક્ત બેઠક બોલાવી સર્વસંમતિથી ઉકેલ લાવવાની ભલામણ કરી છે.
ધારાસભ્યએ જણાવ્યું કે પશુપાલકોની રોજીરોટી અને આર્થિક હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય લે અને લાંબા ગાળાનો ઉકેલ લાવે તેવી જરૂરિયાત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ