મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો, આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ શરૂ કર્યું
મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં ચાંદીપુરા (CHPV) વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અ
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો, આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ શરૂ કર્યું


મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં ચાંદીપુરા (CHPV) વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણ પટેલની દેખરેખમાં અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સ અને નિયંત્રણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં 183 ઘરોમાં સર્વે કરીને 821 લોકોના આરોગ્યની તપાસ કરી છે. ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે 50થી વધુ ઘરોમાં મેલેથીયોન ડસ્ટિંગ, જંતુનાશક દવાનો છંટકાવ તેમજ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. હાલમાં દર્દીની સારવાર GMERS વડનગર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેમની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. અત્યાર સુધી અન્ય કોઈ નવો શંકાસ્પદ કેસ નોંધાયો નથી.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય (રેત માખી) દ્વારા ફેલાય છે અને ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર અસર કરી શકે છે. તાવ, ઊલટી, માથાનો દુખાવો, ખેંચ અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય વિભાગની કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande