
અમદાવાદ, 10 જુલાઇ (હિ.સ.) : ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આજે 10 જુલાઈએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતા એક કોલ સેન્ટર પર દરોડો પાડીને, સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાના નામે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતું આંતરરાજ્ય રેકેટ ઝડપી પાડ્યું છે. આ નેટવર્ક દ્વારા આશરે 4000 થી 5000 લોકો સાથે છેતરપિંડી આચરી કરોડો પડાવવામાં આવ્યા છે. જેમાં ગ્રાહક દવા ખરીદે લે ત્યારબાદ પોલીસખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 1 લાખ સુધીની ખંડણી માગતા હતા. આ કેસમાં અમદાવાદના વસ્ત્રાલ, ઉત્તર પ્રદેશથી મુખ્ય સૂત્રધાર અને યુવતી સહિત 7ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને ફસાવતા
આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી. આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શક્તિવર્ધક દવા, 100 ટકા ગેરંટી, આયુર્વેદિક સારવાર અને પરફોર્મન્સ વધારવાની દવા જેવી લોભામણી જાહેરાતો આપતા હતા. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરનાર ગ્રાહકોને કોલ સેન્ટરના કર્મચારીઓ ડોક્ટર અથવા તબીબી નિષ્ણાત બનીને દવા ખરીદવા માટે સમજાવતા હતા.
જો ગ્રાહક પાર્સલ મેળવીને નાણાં ચૂકવી દે, તો આરોપીઓ તેને ફોન કરીને નકલી પોલીસ અધિકારી કે ડોક્ટર તરીકેની ઓળખ આપતા હતા અને જણાવતા હતા કે તેઓએ પ્રતિબંધિત શક્તિવર્ધક દવા ઓનલાઇન મંગાવી છે.
ત્યારબાદ ગ્રાહકના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન કે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના નામે એફઆઈઆર અને ધરપકડનો ડર બતાવી, કેસ રફેદફે કરવા માટે 2000 થી લઇને 1 લાખ સુધીની રકમ બળજબરીપૂર્વક પડાવતા હતા. જો કોઈ ગ્રાહક કોઈ કારણસર પાર્સલ ન સ્વીકારે, તો પણ તેને જેલની સજા અને પોલીસ કેસની ધમકી આપીને આ જ રીતે રૂપિયા વસૂલતા હતા.
આરોપીઓ ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર મેળવી પોસ્ટ અને કુરિયર મારફતે દવાની ડિલિવરી કરતા હતા. સમગ્ર કારોબાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કોલ સેન્ટર પરથી સંચાલિત થતો હતો, જ્યારે ઉત્તર પ્રદેશના ઇટાવામાં રહેતો દેવેન્દ્રસિંહ રાજાવત આ ગેરકાયદે ધંધાનો મુખ્ય સંચાલક હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં 44 મોબાઇલ ફોન, 23 સીપીયુ, 2 લેપટોપ, 1 મોનિટર, 3 કોલર આઇડી ફોન, 3 પેન ડ્રાઇવ, 5 પાસબુક, 1 ચેક બુક, 1 ક્યૂઆર કોડ, કોલર ટ્રાન્સસ્ક્રિપ્ટ, શક્તિવર્ધક દવાના 2 બોક્સ તેમજ તન્વી એન્ટરપ્રાઇઝિસ, અસ્વાની આયુર્વેદ, ડી આર આયુર્વેદ અને આયુર્શક્તિ આયુર્વેદ નામની પેઢીઓના 5 નકલી રબર સ્ટેમ્પ સામેલ છે.
પકડાયેલા આરોપીઓના વિવિધ બેંકોના 14 બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં તપાસ દરમિયાન 5 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.
આ બેંક ખાતાઓ વિરૂદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર અગાઉથી 6 ફરિયાદો નોંધાયેલી છે, જેમાં દિલ્હીની 1, રાજસ્થાનની 2 અને ઉત્તર પ્રદેશની 3 ફરિયાદોનો સમાવેશ થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આગળની સઘન તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ