
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ ફેમિલી કોર્ટે પત્ની અને બે સંતાનોને ભરણપોષણ ન ચૂકવનાર પતિને 348 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. આ ચુકાદો પ્રિન્સિપાલ જજ બી. એચ. સોમાણીએ આપ્યો હતો.
રણુંજ ગામની તસ્લીમબાનુએ વર્ષ 2021માં પોતાના બે સંતાનો સાથે ભરણપોષણ માટે કોર્ટમાં અરજી કરી હતી. ફેબ્રુઆરી 2023માં કોર્ટે પત્નીને માસિક રૂ. 3,500 અને બંને બાળકોને રૂ. 3,000 તથા રૂ. 2,500 ચૂકવવાનો આદેશ કર્યો હતો. રિક્ષાચાલક પતિ ઇદ્રીશભાઈ મનસુરીએ કોર્ટના આદેશ છતાં ભરણપોષણની રકમ ચૂકવી ન હતી. પરિણામે પત્નીએ ફરી કોર્ટમાં અરજી કરી હતી. 11 માસ અને 18 દિવસમાં કુલ રૂ. 79,000નું ભરણપોષણ બાકી થઈ ગયું હતું. કોર્ટે અનેક તક આપવા છતાં આરોપીએ ચૂકવણી ન કરતાં કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કર્યો હોવાનું નોંધ્યું.
કોર્ટે દરેક માસની કસૂર બદલ 30 દિવસ લેખે કુલ 348 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ બાકી રકમ જમા કરાવતાં તે મુજબ સજામાં રાહત મળશે અને સંબંધિત પોલીસને આરોપીની ધરપકડ કરી જેલભેગો કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ