ઉધના રેલવે સ્ટેશને વરસાદે ખુલ્લી કરી બેદરકારી, PRS બિલ્ડિંગ નમતાં ટિકિટ વ્યવસ્થામાં અવ્યવસ્થા
સુરત, 10 જુલાઈ (હિ.સ.) : સુરતમાં સતત વરસેલા ભારે વરસાદની અસર ઉધના રેલવે સ્ટેશન પર પણ જોવા મળી છે. સ્ટેશન પર આવેલી વર્ષો જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) બિલ્ડિંગનો એક ભાગ અચાનક એક તરફ નમી જતાં રેલવે તંત્રમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ મધરાત્રે
Surat


સુરત, 10 જુલાઈ (હિ.સ.) : સુરતમાં સતત વરસેલા ભારે વરસાદની અસર ઉધના રેલવે સ્ટેશન પર પણ જોવા મળી છે. સ્ટેશન પર આવેલી વર્ષો જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) બિલ્ડિંગનો એક ભાગ અચાનક એક તરફ નમી જતાં રેલવે તંત્રમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ મધરાત્રે થતાં જ અધિકારીઓએ તાત્કાલિક સુરક્ષાના પગલાં લીધા અને સ્ટાફ તેમજ કમ્પ્યુટર સિસ્ટમને જૂના કરંટ ટિકિટ કાઉન્ટર ખાતે ખસેડી દીધા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

નવી જગ્યાએ મર્યાદિત સુવિધા ઉપલબ્ધ હોવાથી અગાઉ ચાલતા ત્રણ રિઝર્વેશન કાઉન્ટરની જગ્યાએ હાલ માત્ર બે કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. પરિણામે સવારથી જ ટિકિટ લેવા આવેલા મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. કાઉન્ટરોની સંખ્યા ઘટતાં મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે તેઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ નવી PRS બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ઓક્ટોબર 2023માં શરૂ થયું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ તે પૂર્ણ થઈ શક્યું નથી. દરમિયાન પ્લેટફોર્મ નંબર-1 પાસે ચાલી રહેલા પાયાના કામ અને ભારે વરસાદના કારણે પાણી ભરાતા જૂની બિલ્ડિંગનો ભાગ બેસી ગયો હોવાનું માનવામાં આવે છે. નવી બિલ્ડિંગ તૈયાર ન થાય ત્યાં સુધી મુસાફરો અને કર્મચારીઓને હાલની મર્યાદિત વ્યવસ્થાનો જ સહારો લેવો પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande