ભાવનગરમાં 'સડક સુરક્ષા' પુસ્તકનું વિમોચન, માર્ગ સલામતી અંગે જનજાગૃતિનો સંદેશ
ભાવનગર,10 જુલાઈ (હિ.સ.) ભાવનગરના ઇસ્કોન ક્લબ ખાતે જાણીતા ફોટોગ્રાફર અને રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા ડૉ. અજયસિંહ જાડેજા દ્વારા રચિત ''સડક સુરક્ષા'' પુસ્તકનું ભવ્ય વિમોચન રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમ
પુસ્તક વિમોચન


ભાવનગર,10 જુલાઈ (હિ.સ.) ભાવનગરના ઇસ્કોન ક્લબ ખાતે જાણીતા ફોટોગ્રાફર અને રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા ડૉ. અજયસિંહ જાડેજા દ્વારા રચિત 'સડક સુરક્ષા' પુસ્તકનું ભવ્ય વિમોચન રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માર્ગ સલામતી ક્ષેત્રે કાર્યરત અધિકારીઓ, નિષ્ણાતો અને સમાજના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કમિશનર સતીશ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવતું પુસ્તક તૈયાર કરવું અત્યંત પ્રશંસનીય કાર્ય છે. તેમણે ડૉ. અજયસિંહ જાડેજા અને તેમના પરિવારને અભિનંદન પાઠવતાં કહ્યું કે આવા પ્રયાસોથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમોના પાલનની ભાવના મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે ડૉ. જાડેજા જેવા વધુ લોકો સમાજમાં કાર્યરત થાય તો ગુજરાતમાં માર્ગ સલામતી અંગેનું જનજાગૃતિ અભિયાન વધુ અસરકારક બની શકે.

પ્રાંત અધિકારી અક્ષર વ્યાસે પણ માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે આવા ઉપયોગી સાહિત્યની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

પુસ્તકના સર્જક ડૉ. અજયસિંહ જાડેજાએ જણાવ્યું કે આજના સમયમાં માત્ર લખાણ કરતાં દૃશ્ય માધ્યમો લોકો પર વધુ અસર કરે છે. તેથી માર્ગ સલામતીનો સંદેશ દરેક વયના લોકો સુધી સરળતાથી પહોંચે તે હેતુથી પુસ્તકને સંપૂર્ણ રંગીન અને ચિત્રાત્મક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેથી બાળકો, યુવાનો અને વડીલો પણ તેને સરળતાથી સમજી શકે.

કાર્યક્રમ દરમિયાન આરટીઓ એમ.ટી. મકવાણા, ડૉ. ચિન્મય શાહ, ટ્રાફિક પીએસઆઈ અમીન, રોડ સેફ્ટી નિષ્ણાત અમિત ખત્રી તથા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે પણ ડૉ. અજયસિંહ જાડેજાના માર્ગ સલામતી ક્ષેત્રેના યોગદાનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમનું સંચાલન મિતુલ રાવલે કર્યું હતું, જ્યારે આભારવિધિ પુસ્તકના ડિઝાઇનર નમ્રતાબા ગોહિલે વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સૌએ સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande