
અમરેલી,, 10 જુલાઈ (હિ.સ.)
અમદાવાદ ખાતે યોજાયેલી 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાજુલાની રઘુવંશી સમાજની પ્રતિભાશાળી દીકરી રાજવી રઘુવંશીએ શાનદાર પ્રદર્શન કરી રાજુલા તેમજ સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.
રાજવીએ 10 મીટર પિસ્તોલ શૂટિંગ (NR) ટીમ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
આ સાથે તેણે નેશનલ ચેમ્પિયનશિપ માટે જરૂરી ક્વોલિફાઇંગ સ્કોર પણ હાંસલ કર્યો છે. હવે આગામી દિવસો માં રાજવી નેશનલ કક્ષાની સ્પર્ધામાં રમવા જશે..
આ ઉપરાંત 10 મીટર સબ-યુથ વુમન કેટેગરીમાં પણ રાજવીએ ચોથું સ્થાન પ્રાપ્ત કરી પોતાની પ્રતિભાનો વધુ એક પુરાવો આપ્યો છે. બે અલગ-અલગ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેણે રમતગમત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
આજના યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં સફળતાના નવા શિખરો સર કરી રહી છે. રાજવી રઘુવંશીની આ સિદ્ધિ નારી શક્તિને સલામ આપતી પ્રેરણાદાયી ઘટના બની છે. રાજુલાની આ દીકરીએ માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર રાજુલા અને રઘુવંશી સમાજનું નામ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે.
રાજવીને રાષ્ટ્રીય સ્તરની આગામી સ્પર્ધા માટે હાર્દિક શુભેચ્છાઓ. આશા છે કે તે ત્યાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાત અને રાજુલાનું નામ દેશભરમાં વધુ ગૌરવપૂર્ણ બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai