
ભાવનગર, 10 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરમાં જાહેર સ્થળે ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો હાથકાંપનો જુગાર રમતા સાત શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 25,800 સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભાવનગરના રૂવા રિંગ રોડ પર આવેલા લીલા ઉડાનના ગેટ નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક લોકો જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો હાથકાંપનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા કુલ સાત શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિપુલ મનસુખભાઈ જોષી, સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ, જીતુભાઈ જેન્તીભાઈ જાદવ, દેવરાજભાઈ અશોકભાઈ સાંકળીયા, પ્રવિણભાઈ મેરૂભાઈ વાઘેલા, હરેશભાઈ ઉર્ફે તપેલો જીવભાઈ બારૈયા અને યોગેશભાઈ બાલાભાઈ મકવાણા (તમામ રહે. મફતનગર, વર્ષા સોસાયટી સામે, સુભાષનગર, ભાવનગર)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી જુગારમાં ઉપયોગમાં લેવાયેલા 52 ગંજીપત્તાના પાનાં તેમજ રોકડ રૂપિયા 25,800 મળી કુલ રૂ. 25,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તેમજ શહેરમાં જાહેર સ્થળોએ ગેરકાયદેસર જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA