
સુરત, 10 જુલાઈ (હિ.સ.) : શહેરનાં લિંબાયતમાંથી પસાર થતી ખાડીઓનાં જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થતાં ખાડી પુરનાં પાણી ઓસરવાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને મીઠી ખાડી અને આસપાસનાં વિસ્તારો છેલ્લા ત્રણ દિવસથી ખાડી પુરનાં પાણીમાં ગરકાવ રહેવાને કારણે સ્થાનિકોની હાલત દયનીય બની જવા પામી હતી.
બીજી તરફ હવે ખાડી પુરનાં પાણી ઉતરતાં જ રોગચાળાની ભીતિને ધ્યાને રાખીને લિંબાયત ઝોન દ્વારા અલગ - અલગ ટીમો બનાવીને સઘન સફાઈ ઝુંબેશ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એક તરફ સફાઈ અભિયાનની સાથે - સાથે ખાડી પુર બાદ નીકળેલા સેંકડો ટન કચરાનાં નિકાલની પણ વ્યવસ્થા ઝોન દ્વારા હાથ ધરવામાં આવી છે.
છેલ્લા ત્રણ - ત્રણ દિવસથી ખાડીપુરનાં જોખમ બાદ હવે પારાવાર ગંદકી અને દુર્ગંધ સહિત રોગચાળો ફાટી નીકળવાની દહેશત નાગરિકોને સતાવી રહી છે.
ખાડી પુરનાં પાણી ઓસર્યા બાદ ઠેર - ઠેર ગંદકી અને નર્કાગારની સ્થિતિ વચ્ચે આજે વહેલી સવારથી જ લિંબાયત ઝોન દ્વારા અલગ- અલગ ટીમો બનાવીને મીઠીખાડી સહિત આસપાસનાં વિસ્તારોમાં પુરજોરમાં સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરી છે. જો કે, બીજી તરફ હજી પણ આ વિસ્તારોમાં ઠેર - ઠેર ગંદકીનાં દ્રશ્યો જોવા મળતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે