


પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામશાખા દ્વારા મેયર સાગરભાઈ મોદીની સૂચના તથા મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગોની જાળવણી અને સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. ખાપટ વિસ્તારમાં અગાઉ ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી દરમિયાન મુખ્ય માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું પ્રાથમિક લેવલિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ચોમાસા દરમિયાન વરસાદને કારણે ખાપટ ખાતે આવેલા રામદેવપીરના દુવારાથી અવધ સોસાયટી સુધીનો મુખ્ય માર્ગ કેટલાક સ્થળોએ બેસી જતાં ઉબડખાબડ બની ગયો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપતાં મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા વરસાદી મોસમ દરમિયાન લોકોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બની રહે તે માટે કાર્યવાહી હાથ ધરી માર્ગ પર મોરમની ભરતી કરીને રસ્તાનું લેવલિંગ કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને અગવડતા ન પડે તે માટે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું સર્વેક્ષણ કરીને જરૂરી સ્થળોએ મરામત અને લેવલિંગની કામગીરી ચાલુ રાખશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya