પાલ ખાતે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીની અધ્યક્ષતામાં 'શિક્ષાના શિલ્પકાર' બહુવિધ સન્માન સમારોહ યોજાયો
સુરત, 10 જુલાઈ (હિ.સ.): કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીની ઉપસ્થિતિમાં સંજીવકુમાર ઓડિટોરિયમ-પાલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત તેમજ SRK નૉલેજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ''શિક્ષા કે શિલ્પકાર'' બહુવિધ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગ
Surat


સુરત, 10 જુલાઈ (હિ.સ.): કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીની ઉપસ્થિતિમાં સંજીવકુમાર ઓડિટોરિયમ-પાલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત તેમજ SRK નૉલેજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 'શિક્ષા કે શિલ્પકાર' બહુવિધ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10ની 106, ધો.12 સા.પ્રવાહની 159, ધો.12 વિ.પ્રવાહની 19, CBSC બોર્ડની ધો.10ની 48, SSCEની 27, ICSE/ISCની 4, કેમ્બ્રિજ અને IB બોર્ડની 1–1 શાળાઓ સહિત કુલ 365 શાળાઓના આચાર્યોને સન્માનિત કરાયા હતા. પરીક્ષામાં લહીયા તરીકે સેવા આપનાર 69 વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરાયું હતું. ગ્રાન્ટેડ મા. અને ઉ.માધ્યમિક શાળાઓના 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રીએ શિક્ષણને દુનિયાના શ્રેષ્ઠ વ્યવસાયોમાંથી એક ગણાવી, સંપૂર્ણ કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીનું વહન કરતા જ્ઞાનના શિલ્પકારો સમા શિક્ષકોને સમાજનાં પથદર્શક ગણાવ્યાં હતા. સન્માન મેળવનારા આચાર્યો અને શિક્ષકોને અભિનંદન આપી મંત્રીએ બાળકોના શૈક્ષણિક અને મૌલિક ઘડતરમાં શિક્ષકોના ધૈર્ય, મહેનત અને સમાજના ઉત્થાનમાં તેમના નોંધપાત્ર યોગદાનની સરાહના કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, શૈક્ષણિક જ્ઞાનની સાથે વ્યવહારુ અને કૌશલ્યલક્ષી જ્ઞાન પર ભાર આપતી નવી રાષ્ટ્રીય શિક્ષણ પોલિસી(NEP)થી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને આધારે ધ્યેય સિદ્ધિમાં સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ બનશે. સાથે જ વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવા શિક્ષકોને પુસ્તકિયા જ્ઞાનથી આગળ વધીને બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

હાલ સમાજમાં ભણતર અને પરીક્ષામાં સ્પર્ધાનું તત્વ ઉમેરાયું છે એ વિષે ચિંતા વ્યક્ત કરતા મંત્રીએ શિક્ષકોને વિદ્યાર્થીઓના મિત્ર બની તેઓને શિક્ષણના ભાર અને બિનજરૂરી તણાવમાંથી મુક્ત કરવા અને સકારાત્મક વાતાવરણ પૂરું પાડવા અનુરોધ કર્યો હતો. તેમણે શિક્ષણને કોઈ એક વિભાગ કે વ્યક્તિની નહીં, પણ, સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી ગણાવી સૌ કોઈને યથાયોગ્ય આહૂતિ આપવા આહવાન કર્યું હતું.

રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ‘ઉદ્યોગ અને વ્યાપારી દ્રષ્ટિએ અગ્રણી સુરતની શિક્ષણ અને સંસ્કારી સમાજ નિર્માણમાં પણ અગ્રભૂમિકા છે. શિક્ષક એ સમાજનો શિલ્પકાર છે. જેમ એક પ્રભાવી વ્યક્તિ આખા જૂથનો માહોલ બદલે છે તેમ એક મૂલ્યવાન શિક્ષક આખા સમાજ પર ઊંડી છાપ છોડે છે. સુરતના શિક્ષણયજ્ઞમાં સહભાગી થનારા ૩૬૫ આચાર્યોને અભિનંદન આપતા તેમણે શિક્ષકોની આ અસાધારણ સિદ્ધિને જ વિકસિત ભારતનો સાચો માર્ગ ગણાવ્યો હતો.

પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારે કહ્યું કે, વિકાસના અનેક આયામો સર કરનાર સુરતે શૈક્ષણિક ક્ષેત્રે નવી સફળતા મેળવી છે. સુરતમાં 12 કલાકમાં 4 લાખ વિદ્યાર્થીઓએ ભગવદ્દગીતા પર પરીક્ષા આપી વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે, જેની નોંધ બ્રિટીશ પાર્લામેન્ટમાં નોંધ લેવાઈ હતી.

વધુમાં તેમણે કહ્યું કે, આ વર્ષે માત્ર સુરતમાંથી જ ગુજરાત બોર્ડના 9017 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને 22,904 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં નોંધાયા છે. સુરત એક માત્ર એવું શહેર છે જેમાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, ઉડિયા, ઉર્દૂ, તેલુગૂ અને મરાઠી એમ સાત ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે, જે મિની ભારત તરીકેની સુરતને મળેલી ઉપમાને સાચી ઠેરવે છે.

આ પ્રસંગે પોલીસ કમિશનર વાબાંગ જામીર, VNSGUના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા, સાંસદ મનુ રવિ(તેલંગાણા), લોકસભા સભ્ય રૂપકુમારી(છત્તીસગઢ), જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારી/કર્મચારીઓ, SRK ફાઉન્ડેશનના સભ્યો, વહીવટી સ્ટાફ, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, સન્માનિત ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande