
હરિયાળી લોકસભા પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ નજીક આવેલા ગોધાવી ગામ ખાતે ૧૦૦ હેક્ટર વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું 'મહા વન કવચ' બનશે
ગાંધીનગર, 10 જુલાઈ (હિ.સ.) : જાણીતા ગુજરાતી કવિ ઝીણાભાઈ દેસાઈ ('સ્નેહરશ્મિ') એ, જાપાની કાવ્ય પ્રકાર 'હાઈકુ' ના મૂળ આત્મા અને ૧૭ અક્ષરના બંધારણને વફાદાર રહીને તેને ગુજરાતી સાહિત્યમાં રજૂ કર્યો તેના બરાબર છ દાયકા પછી, ગુજરાતે ફરી એકવાર અન્ય એક જાપાની— મિયાવાકી વન વૃક્ષારોપણ- મોડેલને, જરા જુદા અને સ્થાનિક પરિસ્થિતિને અનૂરૂપ મૌલિક સ્વરૂપમાં ‘વન કવચ’નાં રૂપમાં અપનાવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના, મહત્વાકાંક્ષી ગાંધીનગર હરિયાળી લોકસભા અભિયાનના ભાગરૂપે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ૧.૨૫ કરોડ રોપાઓ વાવવામાં આવશે. આમાંથી અંદાજે ૬૦ લાખ રોપાઓ વન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 'વન કવચ' મોડેલનો ઉપયોગ કરીને વાવવામાં આવશે — જે જાપાનીઝ મિયાવાકી મોડેલનું ગુજરાતી કરેલું સંસ્કરણ છે.
સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે ખાસ ડિઝાઇન કરાયેલું આ મોડેલ, વૈજ્ઞાનિક જમીન સુધારણા અને જૈવવિવિધતા સંરક્ષણને જોડીને બગડેલી જમીનને સ્વનિર્ભર દેશી નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ) માં બદલવાનો પ્રયાસ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ દ્વારા, વૃક્ષારોપણ ક્ષેત્રે એક ક્રાંતિ થઇ રહી છે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવા માટે વન મહોત્સવ જેવા વિશેષ અભિયાનો થકી એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
વન કવચની સફળતા બાદ તેનો વ્યાપ વધાર્યો
ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગનાં અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, અમિત શાહનાં ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ૬૦૦ હેક્ટર વિસ્તારને આવરી લેતા કુલ ૮૨ ‘વન કવચો’ વિકસાવવામાં આવશે. તેમાંથી, અમદાવાદ નજીક આવેલા ગોધાવી ગામ ખાતે ૧૦૦ હેક્ટર પર, ગુજરાતનું સૌથી મોટું 'મહા વન કવચ' વિકસાવવામાં આવી રહ્યું છે.
વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩માં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં વન કવચની શરૂઆત થઈ. આ વન કવચ મોડેલને સફળતા મળતા વન વિભાગે વન કવચ હેઠળ ૨૦૨૪-૨૫ દરમિયાન આ વિસ્તાર વધીને ૨૦૦ હેક્ટર અને ૨૦૨૫-૨૬ દરમિયાન ૪૦૦ હેક્ટર કર્યો હતો. ૨૦૨૬ સુધીમાં આ મોડેલ હેઠળ વિકસાવવામાં આવેલો રાજ્યનો કુલ વિસ્તાર ૬૦૦ હેક્ટર સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં વન કવચ મોડેલનો વિસ્તાર-
વન વિભાગનાં અગ્ર સચિવ વિનોદ રાવે ઉમેર્યું કે, વન કવચ મોડેલની સફળતાનાં આધારે, વન વિભાગ હવે ૨૦૨૬-૨૭ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૫૦૦ નવી વન કવચ સાઇટો બનાવશે. આ વર્ષે, વન કવચ પહેલ હેઠળ સૂચિત ૧,૧૦૦ હેક્ટરના નવા વૃક્ષારોપણમાંથી અડધાથી વધુ — એટલે કે ૬૦૦ હેક્ટર — માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ વિકસાવવામાં આવશે.
વન કવચ VS મિયાવાકી: ગુજરાત શા માટે, ઝડપી ગ્રીન કવરને બદલે લાંબા ગાળાના પર્યાવરણને પસંદ કરી રહ્યું છે?
મૂળ મિયાવાકી પદ્ધતિ જાપાનનાં શંકુદ્રુમ (કોનિફર) પ્રભુત્વ ધરાવતા જંગલો માટે વિકસાવવામાં આવી હતી, તેમાં પ્રતિ ચોરસ મીટર ત્રણથી પાંચ રોપાઓ વાવવામાં આવે છે. આ ગીચ વાવેતર સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્ત્વો માટે તીવ્ર સ્પર્ધા પેદા કરે છે, જેનાથી માત્ર સૌથી મજબૂત વૃક્ષો જ બચી શકે છે અને ત્રણથી પાંચ વર્ષમાં ઝડપી જંગલનો વિકાસ થાય છે. સામાન્ય મિયાવાકી વાવેતરમાં શરૂઆતમાં પ્રતિ હેક્ટર આશરે ૫૦,૦૦૦ રોપાઓ હોઈ શકે છે, જે કુદરતી સ્પર્ધાને કારણે ધીમે-ધીમે ઘટે છે.
જો કે, વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પર્યાવરણશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે, જાપાની મોડેલનું સીધું અનુકરણ ભારતની દેશી વૃક્ષ પ્રજાતિઓ માટે યોગ્ય ન હોઈ શકે. આપણા ઘણા સ્વદેશી વૃક્ષો વિશાળ ઘેરાવ (કેનોપી) અને વ્યાપક મૂળ તંત્ર વિકસાવે છે, જે ઊભી અને આડી બંને દિશામાં ફેલાય છે. અત્યંત ગીચ વાવેતરથી મૂળ વચ્ચે અતિશય સ્પર્ધા થઈ શકે છે, જે તેમના તંદુરસ્ત વિકાસને મર્યાદિત કરે છે અને વાવેતરની લાંબા ગાળાની સ્થિરતા ઘટાડે છે.
આ મર્યાદાઓને દૂર કરવા માટે, ગુજરાત વન વિભાગે 'વન કવચ' મોડેલ વિકસાવ્યું છે, જે કુદરતી જંગલના પુનર્જીવનના પર્યાવરણીય સિદ્ધાંતોને જાળવી રાખીને વૃક્ષો વચ્ચે વધુ અંતર રાખે છે. આ મોડેલમાં પ્રતિ ચોરસ મીટર આશરે એક વૃક્ષ વાવવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે, મોટા ઘેરાવવાળી પ્રજાતિઓ વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર રહે. આ વધારાની જગ્યા વૃક્ષોને પૂરતો સૂર્યપ્રકાશ, ભેજ અને પોષક તત્ત્વો મેળવવામાં મદદ કરે છે, જેનાથી તેઓ કુદરતી રીતે બહુસ્તરીય જંગલોમાં રૂપાંતરિત થઈ શકે છે.
વન કવચ મિયાવાકી પદ્ધતિથી આ રીતે અલગ પડે છે-
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મોડેલ જમીનની તૈયારીમાં પણ નોંધપાત્ર રીતે અલગ છે. મિયાવાકી ટેક્નિકથી વિપરીત, જેમાં ઘણીવાર સમગ્ર સાઇટની જમીન બદલવાનો સમાવેશ થાય છે, વન કવચ માત્ર રોપણીના ખાડાઓને જ અસર કરે છે જ્યારે જમીનની કુદરતી સ્થિતિને જાળવી રાખે છે. પ્રતિ હેક્ટર આશરે ૧૦,૦૦૦ ખાડાઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં વિવિધ દેશી પ્રજાતિઓનો સમાવેશ કરવા માટે નાના અને મોટા બંને પ્રકારના ખાડાઓ બનાવવામાં આવે છે. આનાથી વૃક્ષના મૂળ અસ્પર્શિત જમીનમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે, જે તેમને મજબૂત પકડ પૂરી પાડે છે — ગુજરાતમાં આ એક મહત્ત્વનો ફાયદો છે, જ્યાં આબોહવા પરિવર્તનને કારણે વાવાઝોડાં અને ભારે પવનની ઘટનાઓ વધુ વારંવાર બની રહી છે.
વન કવચની અન્ય એક વિશિષ્ટ વિશેષતા એ છે કે, તે માત્ર વૃક્ષોની સંખ્યા વધારવાને બદલે કુદરતી જંગલનાં માળખાને ફરીથી બનાવવાની બાબત પર ભાર મૂકે છે. આ વાવેતર ઉપલા સ્તર (અપર-કેનોપી), મધ્યમ સ્તર અને નીચલા સ્તરની પ્રજાતિઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે કુદરતી જંગલોની રચના સાથે ખૂબ જ મળતું આવે છે. આ સ્તરીય વનસ્પતિ વન્યજીવોના આશ્રયસ્થાનની વિવિધતામાં સુધારો કરે છે અને પક્ષીઓ, પતંગિયાં, પરાગનયન કરતા કીટકો, સરિસૃપો, સસ્તન પ્રાણીઓ અને અસંખ્ય જમીનના સૂક્ષ્મજીવો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે.
વન કવચ મોડેલ સ્વદેશી જૈવવિવિધતા પર ભાર મૂકે છે-
આ પહેલ સ્વદેશી જૈવવિવિધતા પર વિશેષ ભાર મૂકે છે. ઝડપથી વિકસતી મર્યાદિત વનસ્પતિ પ્રજાતિઓ પર આધાર રાખવાને બદલે, વન વિભાગ એવા સ્થાનિક વૃક્ષો વાવી રહ્યો છે જે હજારો વર્ષોથી ગુજરાતના વન્યજીવો સાથે વિકસ્યા છે. આ પ્રજાતિઓ કુદરતી રીતે સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓને અનુકૂળ છે, તેમને બહારથી ઓછા ખાતર કે માવજતની જરૂર પડે છે અને સમય જતાં તેઓ સ્વનિર્ભર જંગલ નિવસનતંત્ર તરીકે વિકસિત થાય તેવી અપેક્ષા છે.
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વન્યજીવોના આશ્રયસ્થાનમાં સુધારો કરવાનો, બગડેલી જમીનને પુનઃસ્થાપિત કરવાનો, કાર્બન શોષણ વધારવાનો, જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનો, ભેજ સંરક્ષણ કરવાનો અને સમગ્ર પ્રદેશમાં આબોહવા સામે લડવાની ક્ષમતા (ક્લાઇમેટ રેઝિલિયન્સ) ને મજબૂત કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ