
પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.)ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માછીમારોને ડીઝલ પર પ્રતિ લિટર 15ની વેટ રાહત આપવાનો તેમજ ફિશિંગ બોટ માટેની 20 મીટરની લંબાઈની મર્યાદા દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવતા પૂર્વ ગુજરાત ખારવા સમાજ પ્રમુખ અને પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ સુનીલ દેવશીભાઈ ગોહેલે આ નિર્ણયને આવકારતા રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સુનીલ ગોહેલે જણાવ્યું હતું કે આ નિર્ણય બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી તથા પોરબંદરના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયા, ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી હજારો માછીમાર પરિવારોને સીધો આર્થિક લાભ મળશે. ડીઝલના વધતા ખર્ચમાં રાહત મળવાથી માછીમારોનો ખર્ચ ઘટશે અને મત્સ્યોદ્યોગને નવી ગતિ મળશે. ઉપરાંત ફિશિંગ બોટ માટેની 20 મીટરની લંબાઈની મર્યાદા દૂર કરવાથી આધુનિક અને મોટી બોટોને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ મળશે. સુનીલ ગોહેલે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર સહિત સમગ્ર ગુજરાતનો માછીમાર સમાજ આ લોકહિતલક્ષી નિર્ણય બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ઋણી રહેશે. સાથે જ ભવિષ્યમાં પણ માછીમારોના સર્વાંગી વિકાસ માટે આવા કલ્યાણકારી નિર્ણયો સતત લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya