
સુરત, 10 જુલાઈ (હિ.સ.) : દર વર્ષે ખાડી પુરને કારણે નાગરિકોમાં હવે આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે અને જેનો ભોગ હવે નેતાઓ બની રહ્યા છે. ખાડી પુરની સ્થિતિ વચ્ચે પાંડેસરા ખાતે પહોંચેલા ધારાસભ્ય મનુ પટેલને પણ આ વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો હતો.
પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન સ્થાનિકોનાં ભારે વિરોધનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો વારંવાર રજુઆતો કરવા છતાં સ્થિતિમાં કોઈ ખાસ ફેર ન પડ્યો હોવાનો રોષ ધારાસભ્ય મનુ પટેલ વિરૂદ્ધ ઠાલવી રહ્યા છે.
ગઈકાલે લિંબાયતમાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ટ્રેકટર પર પહોંચેલા અધિકારી - કોર્પોરેટરોને સ્થાનિકોએ ઘેરી લીધા હતા. ઘુંટણ સુધી પુરનાં પાણીમાં ટ્રેકટર લઈને પહોંચેલા કોર્પોરેટરો અને અધિકારીઓ વિરૂદ્ધ સ્થાનિકોએ ભારે બળાપો કાઢ્યો હતો અને ત્રણ દિવસ સુધી આ નર્કાગાર સ્થિતિમાં રહેતા હોવા છતાં તેઓ હવે ટ્રેકટર પર મુલાકાતે નીકળ્યા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ ઘટના બાદ નાછૂટકે અધિકારીઓ અને કોર્પોરેટરો પુરનાં પાણીમાં પગપાળા ચાલવા માટે મજબુર બન્યા હતા. બીજી તરફ હવે ધારાસભ્ય મનુ પટેલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પાંડેસરા ખાતે પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા તો સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા. વર્ષોથી રસ્તા, ડ્રેનેજ સહિતની સમસ્યાઓથી ત્રાસી ગયા હોવા છતાં કોઈ કામ થતા નથી તેવો આક્રોશ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે