
અમદાવાદ, 10 જુલાઇ (હિ.સ.) : સરસપુરમાંથી એક મહિલા પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી ઝારખંડ ફરાર થયાની ઘટના સામે આવી.
અમદાવાદ પૂર્વના સરસપુર વિસ્તારમાંથી પાંચ વર્ષીય પુત્રીનું અપહરણ કરીને ફરાર થયેલી મહિલાને પોલીસે માત્ર 3 કલાકમાં શોધીને પરિવારને સહી સલામત સોંપી છે. પુત્રીને લઈને મહિલા ખાવાનું માંગવા ગઈ હોવાનું માનીને તપાસ નહોતી કરી, પરંતુ મોડે સુધી ન આવતા શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે કાલુપુર રેલવે પોલીસ અને અલગ અલગ જિલ્લાની પોલીસને જાણ કરી હતી. મહિલા બસમાં બાળકીને લઈને ઝારખંડ જવા નીકળી હતી ત્યારે બનાસકાંઠા અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી પાલનપુર એલસીબીએ બાળક સાથે ઝડપી લીધી હતી.
શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે સરસપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ ગઈકાલે 9 જુલાઈના રોજ સાંજે 6:30 વાગ્યે કંટ્રોલ મેસેજ કર્યો હતો કે તેની પાંચ વર્ષની પુત્રીનું તેના દિયરની પ્રેમિકા ઝારખંડ નિવાસી શાહીબાખાતુન નટ અપહરણ કરીને ફરાર થઈ ગઈ છે. જેના પગલે તાત્કાલિક ધોરણે કાલુપુર રેલવે એલસીબી અને અલગ અલગ જિલ્લાની પોલીસને બાળકીના તેમજ જનાર મહિલાના ફોટા બ્રોડકાસ્ટ કરી દેવામાં આવ્યા હતા. મહિલા બાળકીને લઈને ટ્રેન અથવા રોડ મારફતે ઝારખંડ જવા નીકળી હોવા અંગેની શંકાને લઈ ટ્રેનો અને કાલુપુર ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે તપાસ કરવામાં આવી હતી.
લોકેશન ઉત્તર ગુજરાત તરફ મળતા પાલનપુર એલસીબીને જાણ કરી
મહિલાના મોબાઈલ ફોનનું લોકેશન તપાસવામાં આવ્યું હતું. જોકે મોબાઈલ ફોન પહેલા બંધ હતો ત્યારબાદ તેનું લોકેશન ઉત્તર ગુજરાત તરફ મળ્યું હતું જેના પગલે શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા પાલનપુર એલસીબીની ટીમને જાણ કરવામાં આવી હતી. મહિલા બાળકીને બસમાં લઈ જઈ રહી હોવાને લઈને માહિતી મળતા પાલનપુર એલસીબીની ટીમે અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી આરોપી મહિલાને બાળકી સાથે પકડી લીધી હતી. બાળકીને લઈને પાલનપુર ખાતે આવ્યા હતા. બાળકી સાથે મહિલાને અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.
પોલીસે 3 કલાકમાં બાળકીને શોધી લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ