

પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પીપરાળા ચેક પોસ્ટ પર રાજસ્થાનના બાડમેરથી ભુજ જતી 'ભવાની ટ્રાવેલ્સ'ની લક્ઝરી બસને રોકી તપાસ હાથ ધરી હતી. બસની સઘન તપાસ દરમિયાન તેમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બસમાંથી કુલ 1,092 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે, જેની કિંમત રૂ. 3.29 લાખ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી લક્ઝરી બસ અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 18.49 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ સાંતલપુર પોલીસે ગુનો નોંધી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા દારૂ મંગાવનાર તેમજ મોકલનાર શખ્સોને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આ રેકેટ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ