
બોટાદ, 11 જુલાઈ (હિ.સ.) બોટાદ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના કામો ઝડપભેર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તેમજ એટીવીટી યોજના હેઠળ મંજૂર થયેલા વિકાસ કામોની ભૌતિક અને નાણાકીય પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે પ્રગતિમાં પાછળ રહેલા કામો અંગે ગંભીર નોંધ લઈ સંબંધિત અધિકારીઓને તાકીદે કામગીરીમાં ગતિ લાવવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકાસ કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તા જાળવી પૂર્ણ કરવા જરૂરી છે.
તેમણે ભૌતિક રીતે પૂર્ણ થયેલા તમામ કામોના પૂર્ણતા પ્રમાણપત્ર આગામી 10 દિવસમાં જિલ્લા આયોજન કચેરીમાં રજૂ કરવાની સૂચના આપી હતી. ઉપરાંત, જે કામો હજુ સુધી શરૂ થયા નથી તે અંગે લેખિત ખુલાસો રજૂ કરવા તેમજ આગામી 7 દિવસમાં આવા કામો શરૂ કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. બાકી રહેલા તમામ ટેકનિકલ અંદાજો પણ આગામી 7 દિવસમાં મોકલી આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
વહીવટી મંજૂરી મળ્યાને બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં રદ કરવાપાત્ર કામો અંગે કાર્યવાહી કેમ હાથ ધરાઈ નથી તે બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો. સાથે જ ગ્રામ પંચાયતવાર શરૂ ન થયેલા કામોની યાદી તૈયાર કરીને સંબંધિત ગ્રામ પંચાયતોને નોટિસ પાઠવવા અને જરૂરી કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠકના અંતે જિલ્લા કલેક્ટરે તમામ અમલીકરણ અધિકારીઓને સરકાર દ્વારા મંજૂર થયેલા વિકાસ કામો સમયસર, પારદર્શકતા અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા તેમજ નિયમિત સમીક્ષા દ્વારા કામગીરીમાં ગતિ જાળવી રાખવા ભારપૂર્વક સૂચના આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA