
ભાવનગર, 11 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયતને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તાજેતરમાં ઉમરાળા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય સ્તરના ઇન્ડિયા AI પંચાયત મિશન માટે પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી માત્ર ચાર ગ્રામ પંચાયતોને આ મિશન માટે પસંદ કરવામાં આવી છે, જેમાં ભાવનગર જિલ્લાની ઉમરાળા ગ્રામ પંચાયતનો સમાવેશ થવો જિલ્લાની ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે.
આ મિશન અંતર્ગત ટૂંક સમયમાં દિલ્હીથી રાષ્ટ્રીય સ્તરની નિષ્ણાતોની ટીમ ઉમરાળા ગ્રામ પંચાયતની મુલાકાત લેશે.
ઉમરાળા ગ્રામ પંચાયત પોતાની હાઇટેક કામગીરી માટે જાણીતી છે. વર્ષ 1899 પછીનું સમગ્ર પંચાયતી રેકોર્ડ કમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યું છે, જેના કારણે જરૂરી માહિતી ઝડપથી ઉપલબ્ધ થાય છે. ઉપરાંત ગ્રામ પંચાયતમાં આધુનિક સીસીટીવી કંટ્રોલ રૂમ, હાઇટેક ઓફિસ, જાહેર લાઇબ્રેરી, મફત વાઇ-ફાઇ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને પ્રમાણપત્રો સહિતના મોટાભાગના કામો ગ્રામ પંચાયત કચેરીમાંથી જ સરળતાથી મળી રહે છે.
ડિજિટલ ગવર્નન્સ અને પારદર્શક વહીવટના ક્ષેત્રે ઉમરાળા ગ્રામ પંચાયત અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બની છે અને તેની આ સિદ્ધિ સમગ્ર ભાવનગર જિલ્લાને ગૌરવ અપાવે તેવી છે.
આ અંગે ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર હેજમે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે 2047 સંપૂર્ણ વિકસિત ભારત વિજન અને AI FOR ALL અંતર્ગત ગ્રામ પંચાયતો AI નો ઉપયોગ કરીને ડિજિટલ બને તે અંતર્ગત ખાસ મિશન ઇન્ડિયા AI પંચાયત શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી ચાર ગ્રામ પંચાયતોની પસંદગી કરવામાં આવી છે તેમાની એક ઉમરાળા ગ્રામ પંચાયત છે. ટૂંક જ સમયમાં અહીંયા ગ્રામ પંચાયતમાં તેમની ટીમ આવશે અને AI નો ઉપયોગ કરીને ગ્રામ પંચાયતની ડિજિટલ કેવી રીતે કરી શકાય તે માટેની ટ્રાયલ ઉમરાળા ગ્રામ પંચાયત ખાતેથી શરૂ કરવામાં આવશે.
અંદાજિત 2032 સુધીમાં તમામ ગ્રામ પંચાયતો સંપૂર્ણ AI ઉપયોગ કરે તે માટેની આ કામગીરી છે. ઉમરાળા ગ્રામ પંચાયતની પસંદગી થવા પાછળનું મુખ્ય કારણ અમારે ગ્રામ પંચાયત સંપૂર્ણ ડીજીટલ છે અમારી અહીંયા તમામ પ્રકારના રેકોર્ડ ડિજિટલ રીતે રાખવામાં આવ્યા છે. ખાસ કરીને લોકો ને પેપર લેસ કામગીરી મળી રહે તે માટે પણ અમારી ગ્રામ પંચાયત કામ કરી રહી છે. આ તમામ કામગીરીની સર્વે કરી તે બાબતોને ધ્યાનમાં રાખીને આ મિશનમાં ઉમરાળા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA