પાટણમાં ઉંમરૂ ચાર રસ્તા નજીકથી નશાયુક્ત કફ સિરપ અને કેપ્સુલનો જથ્થો ઝડપાયો
પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં નશાયુક્ત દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે પાટણ SOG અને કાકોશી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. ઉંમરૂ ચાર રસ્તા નજીક આવેલી એક દુકાનમાંથી રૂ. 20,919.28 કિંમતનો નશાયુક્ત કફ સિરપ અને કેપ્સુલનો જથ્થો જપ્ત કરવામાં આવ્
ઉંમરૂ ચાર રસ્તા નજીકથી રૂ. 20,919.28નો નશાયુક્ત કફ સિરપ અને કેપ્સુલનો જથ્થો ઝડપાયો


પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં નશાયુક્ત દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે પાટણ SOG અને કાકોશી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. ઉંમરૂ ચાર રસ્તા નજીક આવેલી એક દુકાનમાંથી રૂ. 20,919.28 કિંમતનો નશાયુક્ત કફ સિરપ અને કેપ્સુલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જિલ્લામાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટણ SOGના PI જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી કોડીન ફોસ્ફેટયુક્ત 100 મિલીની 94 કફ સિરપ બોટલ (રૂ. 16,743.28) તેમજ પ્રેગાબાલિન ધરાવતી 15 સ્ટ્રીપ એટલે કે 150 કેપ્સુલ (રૂ. 4,176) મળી આવી હતી.

આ કેસમાં પોલીસે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામના 25 વર્ષીય પિયુષકુમાર કેશાજી રાજપુતની ધરપકડ કરી છે. જ્યારે વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા મેમણ મહંમદફૈઝાન ઉસ્માનગની ફરાર હોવાનું સામે આવતા તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીઓ વિરુદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 21(c) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરાયેલા નશાયુક્ત જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande