ડુંગરા પોલીસ લાઇનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, દરેક પરિવારને ત્રણ વૃક્ષોના જતનની જવાબદારી સોંપાઈ
વાપી, 11 જુલાઈ (હિ.સ.) : ડુંગરા પોલીસ સ્ટેશન અંતર્ગત ડુંગરા પોલીસ લાઇન ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ડુંગરા પોલીસ લાઇનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ


વાપી, 11 જુલાઈ (હિ.સ.) : ડુંગરા પોલીસ સ્ટેશન અંતર્ગત ડુંગરા પોલીસ લાઇન ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. કે. પ્રજાપતિ, ડુંગરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન શીતળ છાંયો અને ફળ આપતા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામને પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વૃક્ષોનું યોગ્ય જતન અને સંવર્ધન થાય તે માટે પોલીસ પરિવારના દરેક પરિવારને ત્રણ-ત્રણ વૃક્ષોની સંભાળ અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસ લાઇનમાં સ્વચ્છતા જાળવવા, પાણીની યોગ્ય વ્યવસ્થા તથા પોલીસ લાઇનના રહેણાંક મકાનોના જતન અને સંભાળ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવી અને વૃક્ષ સંવર્ધન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande