નવસારીમાં ભારે પવનનો કહેર, લુન્સીકુઈમાં વિશાળ વૃક્ષ ધરાશાયી
નવસારી, 11 જુલાઈ (હિ.સ.) નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ભારે પવનના કારણે એક વિશાળ અને વર્ષો જૂનું વૃક્ષ અચાનક મૂળ સહિત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શરબતિયા તળાવ નજીક બનેલી આ ઘટનામાં વૃક્ષ નીચે ઊભેલી અંદાજે ચારથી પાંચ ખાણીપીણીન
Navsari


નવસારી, 11 જુલાઈ (હિ.સ.) નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ભારે પવનના કારણે એક વિશાળ અને વર્ષો જૂનું વૃક્ષ અચાનક મૂળ સહિત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શરબતિયા તળાવ નજીક બનેલી આ ઘટનામાં વૃક્ષ નીચે ઊભેલી અંદાજે ચારથી પાંચ ખાણીપીણીની લારીઓ દબાઈ ગઈ હતી, જેના કારણે લારી સંચાલકોને નોંધપાત્ર આર્થિક નુકસાન વેઠવું પડ્યું. સદનસીબે, ઘટના સમયે આસપાસ કોઈ લોકો ન હોવાથી જાનહાનિ ટળી હતી.

વૃક્ષ પડતાં રસ્તા પાસેથી પસાર થતી વીજ લાઈનો પણ તૂટી ગઈ હતી, જેના પરિણામે આસપાસની અનેક રહેણાંક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અચાનક વીજળી બંધ થતાં સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

ઘટનાની જાણ થતાં જ નવસારી પાલિકાની આપત્તિ વ્યવસ્થાપન શાખા અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ક્રેન અને કટર સહિતના સાધનોની મદદથી માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી વાહનવ્યવહાર ફરી શરૂ કરી શકાય. સાથે જ વીજ કંપનીની ટીમે તૂટેલી વીજ લાઈનોનું સમારકામ કરીને પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande