
વાપી, 11 જુલાઈ (હિ.સ.)
સમાજસેવામાં અગ્રેસર રહેનાર નમન ફાઉન્ડેશન દ્વારા આજે વાપીની ESIC હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફળ, નાળિયેર પાણી, બિસ્કિટ, પીવાના પાણીની બોટલ તેમજ ORS સહિતની જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવા કાર્યનો લાભ અંદાજે 60થી 70 દર્દીઓએ લીધો હતો. દર્દીઓ તેમજ તેમના પરિવારજનોએ નમન ફાઉન્ડેશનના આ માનવતાભર્યા પ્રયાસને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ESIC હોસ્પિટલના સ્ટાફે પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, જેના બદલ નમન ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નમન ફાઉન્ડેશન હંમેશા નિઃસ્વાર્થ સમાજસેવા માટે ઓળખાય છે. ફાઉન્ડેશનના અધ્યક્ષ અવિનાશભાઈ ગૌડા (બાબુભાઈ) તથા તેમની ટીમના સભ્યોએ સેવાભાવ સાથે આ કાર્ય પૂર્ણ કર્યું હતું. ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha