
પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ (APMC) અને બનાસ બેંકના નવા ભવનોનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. નવા ભવનો શરૂ થતાં ખેડૂતો, વેપારીઓ અને બેંકના ગ્રાહકોને વધુ સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયા પીળયાતર, રાધનપુર APMCના ચેરમેન બાબુ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિત રાજકીય, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ, બેંકના ગ્રાહકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નર્મદા યોજનાના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈની પૂરતી સુવિધા મળી છે, જેના પરિણામે કૃષિ અને બાગાયતી પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસલક્ષી યોજનાઓના યોગદાનની પ્રશંસા કરતાં ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે સરકાર સતત પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ