
- મુસાફરોને મળશે રિયલ ટાઈમ રેલવે માહિતી, માહિતી વ્યવસ્થાપન બનશે વધુ સ્માર્ટ અને અસરકારક.
ભાવનગર, 11 જુલાઈ (હિ.સ.) : યાત્રિયોને વધુ સચોટ, ઝડપી અને વિશ્વસનીય રેલવે માહિતી ઉપલબ્ધ કરાવવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન તેમજ વરિષ્ઠ મંડળ દૂરસંચાર અને સિગ્નલ ઇજનેર (Sr. DSTE) એચ. એસ. આર્યાના નેતૃત્વ અને દેખરેખ હેઠળ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (Integrated Passenger Information System – IPIS)નું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે અને તેને મુસાફરોની સેવામાં સમર્પિત કરવામાં આવી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ આધુનિક પ્રણાલી સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ મુસાફર માહિતી પ્રણાલીઓને એકીકૃત કરીને ટ્રેનોના આગમન અને પ્રસ્થાન, પ્લેટફોર્મ નંબર, કોચ પોઝિશન તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી રિયલ ટાઈમમાં પ્રદર્શિત કરશે. આના દ્વારા માહિતીનું પ્રસારણ વધુ ઝડપી, સચોટ અને અસરકારક બનશે, જેના પરિણામે મુસાફરોની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાપિત IPIS પ્રણાલી હેઠળ સ્ટેશન પર વિવિધ આધુનિક માહિતી ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા છે. કોચ ગાઇડન્સ ડિસ્પ્લે બોર્ડ દ્વારા ટ્રેન નંબર, કોચ પોઝિશન, પ્લેટફોર્મ નંબર, સ્ટેશન કોડ તથા રેલવે ઝોનની માહિતી દર્શાવવામાં આવશે. સ્ટેશન લાર્જ ડિસ્પ્લે બોર્ડ (SLDB) પર ટ્રેનનું નામ, ટ્રેન નંબર, આગમન અને પ્રસ્થાન સમય તેમજ પ્લેટફોર્મ નંબર દર્શાવવામાં આવશે. જ્યારે એટ-એ-ગ્લાન્સ ડિસ્પ્લે બોર્ડ દ્વારા એન્જિનના સંદર્ભમાં કોચોની સ્થિતિ, ટ્રેન નંબર, આગમન અને પ્રસ્થાન સમય તથા પ્લેટફોર્મ સંબંધિત માહિતી ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત આધુનિક પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ દ્વારા ટ્રેનો સંબંધિત માહિતી અને જાહેરાતોનું પ્રસારણ સ્વચાલિત તેમજ જરૂરિયાત મુજબ મેન્યુઅલ – બંને રીતે કરવામાં આવશે, જેથી મુસાફરો સુધી સમયસર, સ્પષ્ટ અને યોગ્ય માહિતી પહોંચી શકે. નવી IPIS પ્રણાલી અમલમાં આવતા સ્ટેશનની માહિતી પ્રદર્શન અને જાહેરાત વ્યવસ્થા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બની છે. પરિણામે માહિતી વ્યવસ્થાપનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને મુસાફરોને સમયસર સચોટ માહિતી મળવાથી તેમની મુસાફરી વધુ સુવિધાજનક અને નિર્વિઘ્ન બનશે.
જેતલસર જંક્શન સ્ટેશન પર IPIS પ્રણાલીનું સફળ કમિશનિંગ 8 જુલાઈના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફર સુવિધાઓના આધુનિકીકરણ, ડિજિટલ રેલવેની કલ્પનાને સાકાર કરવા તથા સ્માર્ટ સ્ટેશનના વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક, આધુનિક અને વિશ્વસ્તરીય રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત નવી ટેક્નોલોજી અપનાવવા તેમજ મુસાફર સુવિધાઓના વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ