પોરબંદરમાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝન પર સંકટ
પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખરીફ સિઝન પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. જુલાઈનો મધ્ય સમય નજીક આવી ગયો હોવા છતાં જિલ્લામાં હજુ સુધી સંતોષકારક વરસાદ નોંધાયો નથી. પરિણામે ખેડૂતોની સૌથી મોટી ચિંતા એવા વાવણી કાર્યનો હજુ
પોરબંદરમાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝન પર સંકટ


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખરીફ સિઝન પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. જુલાઈનો મધ્ય સમય નજીક આવી ગયો હોવા છતાં જિલ્લામાં હજુ સુધી સંતોષકારક વરસાદ નોંધાયો નથી. પરિણામે ખેડૂતોની સૌથી મોટી ચિંતા એવા વાવણી કાર્યનો હજુ સુધી પ્રારંભ થઈ શક્યો નથી.

સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન જિલ્લાના મોટાભાગના ખેતરોમાં મગફળી અને કપાસ સહિતના મુખ્ય ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદના અભાવે ખેતરો હજુ પણ કોરા જોવા મળી રહ્યા છે. ખેડૂતો રોજ આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ ન વરસતા ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.જિલ્લામાં મગફળી અને કપાસ મુખ્ય રોકડ પાક હોવાથી હજારો ખેડૂતોની આર્થિક સ્થિતિ તેનો આધાર રાખે છે. કૃષિ તજજ્ઞોના જણાવ્યા મુજબ સમયસર વરસાદ ન મળવાના કારણે વાવણીનો યોગ્ય સમય સતત પાછળ ધકેલાઈ રહ્યો છે. જો આગામી 8થી 10 દિવસમાં પણ સારો વરસાદ નહીં પડે તો મગફળી અને કપાસનું વાવેતર કરવું જોખમી બની શકે છે.આવી સ્થિતિમાં ખેડૂતોને ઓછા સમયગાળામાં તૈયાર થતા અથવા ઓછા પાણીમાં ઉગી શકે તેવા વૈકલ્પિક પાક તરફ વળવાની ફરજ પડી શકે છે.વરસાદના વિલંબને કારણે ખેડૂતો માત્ર વાવણી અંગે જ નહીં, પરંતુ કયા પાકની પસંદગી કરવી તે અંગે પણ મૂંઝવણમાં મુકાયા છે. મોડા વાવેતરથી ઉત્પાદન ઘટવાની, ખર્ચ વધવાની અને બજારમાં અપેક્ષિત આવક ન મળવાની શક્યતા પણ વધી રહી છે.

જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો તેની અસર માત્ર ખેડૂતો સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર કૃષિ અર્થતંત્ર અને જિલ્લાની ખરીફ સિઝન પર પણ જોવા મળી શકે છે. તેથી હવે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોની નજર આગામી વરસાદ પર ટકેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande