

કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) જાહેર હિતમાં અનેક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપાઈ, બનાસકાંઠાના અધિકારીની અગાઉની નિમણૂક મૂળ અસરથી રદ કરીને નવી પોસ્ટિંગ જાહેર કરવામાં આવી છે. જયારે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વિકાસ અધિકારી સુનિલકુમાર લાલજીભાઈ ચૌધરીને ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) તરીકે બદલી આપવામાં આવી છે.
ગુજરાત સરકારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ રાજ્યના તાલુકા વિકાસ અધિકારીઓ (ટીડીઓ)ના સંવર્ગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જાહેર કર્યા છે. રાજ્યપાલના આદેશથી બહાર પાડવામાં આવેલી નવી અધિસૂચના મુજબ વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સાથે જ અગાઉ જાહેર કરાયેલી એક બઢતી સંબંધિત નિમણૂકને મૂળ અસરથી રદ કરીને સંબંધિત અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
અધિસૂચના મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી (ખેતી) તરીકે ફરજ બજાવતા ભરતસિંહ દુદાજી રાજપૂતને અગાઉ ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે આપવામાં આવેલી બઢતી આધારિત નિમણૂકનો હુકમ હવે મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે. તેના સ્થાને તેમને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસકાંઠામાં મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે જાહેર હિતને ધ્યાનમાં રાખીને અનેક તાલુકા વિકાસ અધિકારીઓની બદલી પણ અમલમાં મૂકી છે. જસદણના તાલુકા વિકાસ અધિકારી એચ. આર. વાઘેલાને અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) તરીકે મોકલવામાં આવ્યા છે. વાઘોડીયાના તાલુકા વિકાસ અધિકારી તપન હસમુખ ત્રિવેદીને છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે નવી જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત દિપેક્ષકુમાર ડાહ્યાભાઈ પટેલની જસદણ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિહોરના તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ બી. રાવને અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) તરીકે બદલી આપવામાં આવી છે. લખતરના તાલુકા વિકાસ અધિકારી પિયુષકુમાર કાનજીભાઈ રાવત હવે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વિકાસ અધિકારી તરીકે ફરજ સંભાળશે.
તાપીના વાલોડ તાલુકાના વિકાસ અધિકારી અમરદાસ આઈ. રાઠવાને દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે વાલોડના તાલુકા વિકાસ અધિકારી સર્ફરાજ સિરાજભાઈ વહોરાને ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે તમામ સંબંધિત નિયંત્રણ અધિકારીઓને સૂચના આપી છે કે બદલી પામેલા અધિકારીઓને વિલંબ વિના તાત્કાલિક ફરજમુક્ત કરી નવી નિમણૂકના સ્થળે હાજર થવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે. આ વહીવટી ફેરફારો રાજ્યના ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar