
કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહીબિશન કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે ભચાઉ પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે. આ અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસને વધુ એક સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે આજે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ભચાઉના ૨૬ બંગલા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો નોંધપાત્ર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની શોધખોળ તેજ બનાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન સંબંધિત ગુનાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી.
બાતમી અનુસાર ભચાઉના હિંમતપુરાનો રહેવાસી અજય ઉર્ફે લાલો સંજયભાઈ કોલીએ ભચાઉના ૨૬ બંગલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. માહિતીના આધારે પોલીસે આજે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડના ૧૮૦ મિલી ક્ષમતાવાળા દારૂના કુલ ૨૧૦ ક્વાર્ટર મળી આવ્યા હતા.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 'માસ્ટર ડે લાઈટ પ્રીમિયમ વ્હિસ્કી'ના ૧૨૫ ક્વાર્ટર તેમજ 'ઓરેન્જ સિટી મિન્ટી જામુન વોડકા'ના ૮૫ ક્વાર્ટરનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત અંદાજે ₹35,310 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપી અજય ઉર્ફે લાલો સંજયભાઈ કોલી હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેની શોધ માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ભચાઉ પોલીસના સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત કામગીરીથી આ કાર્યવાહી સફળ બની હતી. જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર અને હેરફેર સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar