


કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને દરિયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમયસર અટકાવવાના હેતુથી આજે નારાયણ સરોવર ખાતે વિશેષ 'ફિશરમેન અવેરનેશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માછીમારોને દરિયાઈ સુરક્ષાના સહયોગી તરીકે સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી હતી.
રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મરીન પોલીસના અધિકારીઓ, મરીન કમાન્ડો, ફિશરીઝ વિભાગના પ્રતિનિધિઓ અને સ્થાનિક માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમજાવવામાં આવ્યું હતું કે દરિયામાં નિયમિત માછીમારી કરતા માછીમારો સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મહત્વપૂર્ણ ‘આંખ અને કાન’ સાબિત થઈ શકે છે. દરિયામાં કોઈ અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર, ડ્રગ્સ અથવા અન્ય શંકાસ્પદ સામગ્રી, ડ્રોનની હિલચાલ, દાણચોરી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ નજરે ચઢે તો તેની તાત્કાલિક જાણ સુરક્ષા એજન્સીઓને કરવામાં આવે તો ગંભીર ગુનાઓને શરૂઆતના તબક્કામાં જ રોકી શકાય છે.
કાર્યક્રમ દરમિયાન માછીમારોને કાયદાકીય જોગવાઈઓ અને દરિયાઈ નિયમો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મર્ચન્ટ શીપીંગ એક્ટ-1954 તથા મત્સ્યઉદ્યોગ કાયદા-2003 હેઠળ બોટનું રજીસ્ટ્રેશન અને લાયસન્સ રાખવાની ફરજિયાત પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે બોટની અવરજવરનું રેકોર્ડિંગ, બોટમાં જરૂરી સુરક્ષા સાધનો, ટ્રાન્સપોન્ડર આધારિત બોટ ટ્રેકિંગ વ્યવસ્થા અને ફિશરીઝ ગાર્ડની કામગીરી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
ફિશરીઝ વિભાગના અધિકારીઓએ માછીમારોને સુરક્ષિત માછીમારી માટે જરૂરી સાવચેતીઓ, દરિયામાં સંચાર વ્યવસ્થા જાળવવાની પદ્ધતિ તેમજ કોઈપણ સંજોગોમાં સતર્ક રહીને સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સ્થાનિક માછીમાર સંગઠનના પ્રતિનિધિઓએ પણ માછીમારોને કાયદાનું પાલન કરવા અને દરિયાકાંઠાની સુરક્ષા જાળવવામાં સરકારને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મરીન પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષા માત્ર સુરક્ષા દળોની જવાબદારી નથી, પરંતુ માછીમારોના સક્રિય સહયોગથી જ ડ્રગ્સની હેરાફેરી, દાણચોરી અને અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે અસરકારક રીતે લડી શકાય છે. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા માછીમારોમાં સુરક્ષા પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે અને ગુજરાતનો દરિયાકિનારો વધુ સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar