ગાંધીધામમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: જવાહરનગરમાંથી ત્રણ શખ્સ ઝડપાયા
કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પૂર્વ કચ્છ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસની સતર્ક કામગીરી દરમિયાન આજે જવાહરનગર વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હત
ગાંધીધામ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પૂર્વ કચ્છ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસની સતર્ક કામગીરી દરમિયાન આજે જવાહરનગર વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ત્રણ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે સ્થળ પરથી રોકડ રકમ સહિત જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સરહદી રેન્જ, ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડે સ્ટાફને સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય રાખવાની સૂચના આપી હતી.

તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળતા તરત જ જવાહરનગર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં કેટલાક લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં શીવાભાઈ ભીખાભાઈ વાઘેલા (ઉંમર 56 વર્ષ), રામભાઈ બાબુભાઈ અખીયાણી (ઉંમર 34 વર્ષ) અને દેવાભાઈ બાબુભાઈ અખીયાણી (ઉંમર 26 વર્ષ)નો સમાવેશ થાય છે. ત્રણેય જવાહરનગર વિસ્તારમાં પાબુદાદા મંદિર નજીક રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે રૂ. 34,600ની રોકડ રકમ તેમજ જુગાર રમવા માટે વપરાતા ગંજીપાનાં પત્તા કબજે કર્યા હતા. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પૂર્વ કચ્છ પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદેસર જુગાર, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. પોલીસ દ્વારા લોકોને પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી હોય તો નિર્ભયપણે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande