
કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ શહેરમાં દારૂની હેરફેર સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેમની પાસેથી દારૂ, કાર, મોબાઈલ ફોન સહિત કુલ ₹3,36,562નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળાની આગેવાની હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિશ્વસનીય બાતમી મળી હતી કે એક ગ્રે રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને એક વ્યક્તિ ગાંધીધામ તરફ આવી રહ્યો છે.
બાતમીને આધારે એલસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે વાહન પર નજર રાખી હતી. શંકાસ્પદ કાર દેખાતા તેને ઘેરી લઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી વ્હિસ્કીની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કારમાં સવાર ત્રણેય શખ્સોને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓમાં રાજવીરસિંગ યાદવસિંગ રાઠોડ, ખેતસિંગ પ્રેમસિંગ દેવડા અને રાવલગર સનણગર ગોસ્વામીનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી બ્લેન્ડર્સ પ્રાઈડ સિલેક્ટ પ્રીમિયમ, બ્લેન્ડર્સ પ્રાઈડ રિઝર્વ કલેક્શન, વિસ્ટલર બેરલ એજ્ડ બ્લેન્ડેડ માલ્ટ, જેમ્સન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આયરિશ વ્હિસ્કી, બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ તથા રોયલ રણથંભોર હેરિટેજ કલેક્શન જેવી વિવિધ બ્રાન્ડની કુલ 90 બોટલો કબજે કરી છે. ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ કાર, બે મોબાઈલ ફોન અને ત્રણ ટ્રોલી બેગ પણ જપ્ત કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓ અને કબજે કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. પટેલ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના સંયુક્ત પ્રયાસોથી પાર પાડવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર અને હેરફેર સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે આવા ઓપરેશનોના કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ લાવવામાં મદદ મળશે અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar